ગુજરાતમાં આદિ-અનાદી કાળથી નવરાત્રીનું પર્વ રંગેચેગે ઊજવવામાં આવે છે. વર્ષો પહેલા રાજા-મહારાજાઓ પણ નવરાત્રીનું ખાસ આયોજન કરતા હતા. અને આજે પણ ઘણાબધા રાજવી પરિવારોએ એ પરંપરા જાળવી રાખી છે, જેમાં દાંતાના રાજવી પરિવાર દ્વારા અંબાજીના મંદિરમાં ખાસ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવે છે. વાંકાનેરના રાજવી પરિવાર દ્વારા અષ્ટમીના દિને ખાસ પૂજનું આયોજન કરવામાં આવે છે, લૂણાવાડાના રાજવી પરિવાર દ્વારા 552 વર્ષ પુરાણા મંદિરમાં પૂજા, આરાધના અને નવરાત્રીનું પર્વ ઉલ્લાસથી ઊજવવામાં આવે છે.
ગુજરાતમાં ઘણાબધા રાજવી પરિવારો દ્વારા નવરાત્રી દરમિયાન નકોડા ઉપવાસ કરીને માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે. જેમાં દેવગઢ બારિયાના રાજવી પરિવાર દ્વારા મહાકાળી માતાજીના મંદિરમાં પરંપરાગતરીતે આદ્યશક્તિના આરાધના કરવામાં આવે છે, જેમાં ઘણા શ્રદ્ધાળુઓ દ્વારા ખાંડાધારી એટલે કે નવ દિવસ પલાઠીવાળીને ખાધા-પીધા વિના નકોડો ઉપવાસ કરવામાં આવે છે.
યાત્રાધામ અંબાજીમાં નવરાત્રી આઠમના દિને દાંતાના રાજવી પરિવાર દ્વારા વર્ષોની પરંપરા મુજબ યજ્ઞ કરવામાં આવે છે. અને સાંજના સૌ પ્રથમ શ્રીફળ હોમી યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવે છે અને ત્યારબાદ લાખો યાત્રિકો યજ્ઞામાં શ્રીફળ હોમે છે.દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા નવરાત્રી અષ્ટમી યજ્ઞા મહત્વ અનેરૂ છે. નવરાત્રિ પર્વ એટલે શક્તિ અને વાત્સલ્યની દેવી મા અંબાની ઉપાસના અને આરાધના કરવા માટેનુ શ્રેષ્ઠ પર્વ. નવરાત્રિ દરમિયાન માતાજીના ચાચરચોકમાં ગરબાઓની રમઝટ જામે છે. અંબાજી મંદિર અને નવયુવક પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે આ ભવ્ય ગરબાઓનુ વર્ષોથી આયોજન થાય છે. અને ત્યારબાદ આઠમના દિવસે ભવ્ય યજ્ઞા કરવામાં આવે છે. જેમાં વર્ષમાં એક જ વાર દાંતા સ્ટેટના રાજવી પરિવાર દ્વારા યજ્ઞા કરવામાં આવે છે. અને સાંજના સૌ પ્રથમ શ્રીફળ હોમી યજ્ઞાની પૂર્ણાહૂતિ કરવામાં આવે છે.
પ્રાચીન કાળથી નવરાત્રી દરમિયાન ઉપવાસનું મહાત્મ્ય છે. આ સમયે એટલા માટે ઉપવાસ કરવામા આવે છે કે મન સંતુલિત રહે છે. સાત્વિક ભોજન લઇને માં જગદંબાનું ધ્યાન, ચિંતન મનમા લાગ્યું રહે છે અને સ્વયં શરીરની ઉર્જા શક્તિને વધારે શક્તિશાળી બનાવે છે જેથી સ્વાસ્થ્ય આખુ વર્ષ સારુ રહે છે અને માં જગદંબાની કૃપા પ્રાપ્ત થાય છે. આસો માસની શુક્લપક્ષની એકમથી લઇ વિજયા દિવસના એક દિવસ પેહલા સુધીમાં જગદંબાના ઉપવાસ અને સાધના અને સિદ્ધિ પ્રારંભ થાય છે. આ બંને નવરાત્રીમાં પણ શારદીય નવરાત્રીનું મહત્વ વધારે છે. ઉપવાસ કરવાથી આરોગ્ય, એશ્વર્ય અને લક્ષ્મીપ્રાપ્તિ થતી હોવાનું માનવામાં આવે છે. એટલે ઘણાબધા રાજવી પરિવારો દ્વારા વર્ષોથી પરંપરાગતરીતે નવરાત્રીના પર્વની વિશેષ ઊજવણી કરવામાં આવે છે.