અંબાજીઃ નવલી નવરાત્રીનો આજથી રંગેચેગે પ્રારંભ થઈ રહ્યો છે. યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રી પર્વની ખાસ ઊજવણી કરવામાં આવતા હોય છે. જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ અંબાજી માતાજીના આંગણે ભારે ઉત્સાહથી ઊજવવામાં આવે છે. આજથી એટલે કે પ્રથમ નવરાત્રીથી યાત્રાધામમાં રાત્રે 9.00 વાગે આરતી બાદ ચાચર ચોકમાં ગરબા યોજાશે. જેમાં ખાસ કરીને આ વખતે સૌપ્રથમ વખત ટ્રેડિશ્નલ ગરબા યોજાશે. મંદિર તંત્ર તરફથી ગરબાને લઈને કડક નિયમો બનાવવામાં આવ્યાં છે.અંબાજીના ચાચર ચોકમાં માત્ર મહિલાઓના અલગ ગરબા યોજાશે. જ્યારે પુરૂષોએ પિત્તળ ગેટની બહાર ગરબા રમવા પડશે.
રાજ્યભરમાં આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. અંબાજીમાં નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ગરબાને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. અંબાજીમાં મહિલાઓ અને પુરુષોએ ગરબા અલગ અલગ ગાવાના રહેશે. એટલે કે ચાચર ચોકમાં હવે ગરબા ગાવા માટે પુરુષોને એન્ટ્રી નહીં મળે. ચાચરચોકમાં માત્ર મહિલાઓ જ માતાજીના ગરબે ઘૂમી શકશે.
મંદિર ટ્રસ્ટ દ્વારા આ વખતે ટ્રેડિશ્નલ ગરબાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત ગરબા માટેના નિયમો પણ કડક કર્યાં છે. નવરાત્રી પર્વ દરમિયાન સવારની મંગળા આરતીનો સમય 7.50 કલાકનો રહેશે જ્યારે કે સાંજની આરતી 6.30 કલાકનો સમય નિયત કરાયો છે. આ ઉપરાંત નવરાત્રીમાં લોકોને ભક્તિ રસથી તરબોળ કરવા માટે ગાયકોને બોલાવી ગરબાનું આયોજન કરાયું છે. અંબાજી માતાજીના મંદિરને વિવિધ રંગબેરંગી લાઈટ્સથી ભવ્ય રીતે શણગારવામાં પણ આવ્યું છે. રાત્રે લાઈટના અલગ અલગ રંગોથી અંબાજી મંદિર મનમોહક દૃશ્ય જોવા મળશે. મંદિર સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, ગરબા રમવા કે જોવા આવનારે ફરજિયાત આઈકાર્ડ બતાવવાનું રહેશે. ચાચરચોકમાં પ્રવેશવા માટે આધારકાર્ડ, લાઈસન્સ સહિતના ડોક્યુમેન્ટ બતાવવાના રહેશે અને આ બાદ જ એન્ટ્રી મળશે. આ નિર્ણય જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાએ સમીક્ષા કરીને લીધો છે.