Site icon Revoi.in

નવરાત્રિ મહોત્સવ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝને ફળશે, 4000 વાહનોની ડિલિવરી થશે

Social Share

નવી દિલ્હીઃ નવરાત્રી મહોત્સવ પર ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને ફાયદો થવાની શકયતા છે. આ વખતે આ નવ દિવસમાં ચાર હજાર વાહનોની ડિલિવરી થવા જઈ રહી છે. વિભાગ અનુસાર તેની કિંમત 400 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે વધુ વાહનોની ડિલિવરી થશે. વર્ષ 2023માં આ સમયગાળા દરમિયાન કુલ 3400 વાહનોની ડિલિવરી કરવામાં આવી હતી. ડીલરો પાસેથી મળેલા અહેવાલો અનુસાર, વિભાગનું કહેવું છે કે, આ વખતે લગભગ 1,800 ફોર-વ્હીલર અને 2,200 ટુ-વ્હીલરની ડિલિવરી કરવામાં આવશે.

હિંદુ માન્યતા અનુસાર નવરાત્રિ નવા કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, લોકો આ સમયે વાહનો ખરીદવામાં વધુ વિશ્વાસ ધરાવે છે. લોકોએ સપ્ટેમ્બર મહિનાથી જ વાહનોનું બુકિંગ શરૂ કરી દીધું હતું. સાથે જ નવરાત્રિ જ નહીં, આ વખતે ધનતેરસ, દિવાળી સહિત સમગ્ર તહેવારોની સિઝનમાં ધંધો થાય તેવી અપેક્ષા છે.

લક્ઝરી વાહનોનું બુકિંગ પણ મોટી સંખ્યામાં થઈ ગયું છે. 50 લાખથી વધુની કિંમતના 500 જેટલા વાહનોનું બુકિંગ થઈ ગયું છે. ગયા વર્ષે આવા માત્ર 361 વાહનો હતા. વધુ વાહનોની નોંધણીથી વાહનવ્યવહાર વિભાગની આવકમાં પણ નોંધપાત્ર વધારો થશે. મહિન્દ્રાના જનરલ મેનેજર સંતોખ સિંહનું કહેવું છે કે આ વર્ષની શરૂઆતથી જ સારી સંખ્યામાં વાહનોનું વેચાણ થયું છે. આવી સ્થિતિમાં નવરાત્રી દરમિયાન બમ્પર વેચાણ થશે. તે જ સમયે, ટાટા મોટર્સના વીરેન્દ્ર સિંહનું કહેવું છે કે લોકો નવા મોડલ્સને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે.

આ વખતે નવા હાઇબ્રિડ વાહનોના બુકિંગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. તેનું કારણ 100% ટેક્સ મુક્તિ હોવાનું માનવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ 400 હાઇબ્રિડ વાહનોનું બુકિંગ થઈ ચૂક્યું છે. ઇલેક્ટ્રિક વાહનો પણ આમાં પાછળ નથી. ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર, ઈલેક્ટ્રિક વાહનોનું પણ મોટી સંખ્યામાં બુકિંગ થયું છે.

એઆરટીઓ ડો.સિયારામ વર્માનું કહેવું છે કે આ વર્ષે મેન્યુફેક્ચરિંગ કંપનીઓને વાહનોના ઉત્પાદનમાં વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. સેમિકન્ડક્ટર્સની ઉપલબ્ધતા વધી છે. જેના કારણે સમયસર વાહનોની ડિલિવરી થઈ છે.