નવસારીઃ કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે શાકમાર્કેટ બંધ કરવાનો નિર્ણય
- શાકભાજીવાળા સુપરસ્પ્રેડર ના બને તે માટે લેવાયો નિર્ણય
- નવસારી નગરપાલિકાએ કોરોનાને ધ્યાનમાં લાધી કર્યો નિર્ણય
- કોરોનાની ગાઈડલાઈન પાલન સાથે દુકાનો ચાલુ રહેશે
અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના આરંભ સાથે જ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો હતો. જેથી રાત્રિ કરફ્યુ સહિતના કેટલાક નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. દરમિયાન નવસારીમાં કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે શાકમાર્કેટને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જો કે, કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે દુકાનો ચાલુ રાખવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીની શાકભાજી માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે અને ત્યાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો પણ ભંગ થતો હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. તેથી શાકભાજી માર્કેટમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે અને શાકભાજી વેચતા ફેરીયાઓ સુપર સ્પ્રેડર ન બને એટલા માટે નવસારી નગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, શાકભાજી માર્કેટને બંધ રાખવામાં આવશે. બીજી તરફ શાકભાજી માર્કેટની આસપાસની દુકાનોમાં પણ કોરોનાની ગાઈડલાઈન પાલન સાથે દુકાનો ચાલુ રાખી શકાશે. નવસારીમાં કોરોનાના કેસમાં વધારો ના થાય તે માટે નગરપાલિકા દ્વારા અન્ય કેટલાક નિયંત્રણોનો અમલ કરવામાં આવી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે સરકાર દ્વારા પગલા ભરવામાં આવ્યાં છે. આ ઉપરાંત કોરોના પીડિત દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં બેડ અને આઈસીયુ બેડ તથા ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી છે.