Site icon Revoi.in

નવસારી: ભારે વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર, 1200 પ્રવાસીઓનું રેસ્ક્યૂ

Social Share

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે.હવામાન વિભાગે નવસારી અને વલસાડમાં સતત બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેથી અનેક નિચાણવાળા વિસ્તારોમાં નદીઓના પાણી ઘૂસી ગયા છે. જેને પગલે અનેક લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખેરગામમાં સવા 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ધરમપુરમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે.ડાંગના આહવામાં અને કપરાડા તેમજ ચીખલીમાં સાડા છ ઈંચ, વાંસદા અને વાઘાઈમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવાથી ધોધમાર વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં રવિવારથી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નવસારીના ત્રણ તાલુકાઓમાં મેઘ તાંડવ સર્જાયું છે. નવસારીના ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. નવસારી સહિત ડાંગ જિલ્લામાં પણ સાંબેલાધાર વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે નવસારીની અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. સવારે 6 વાગ્યાની સ્થિતિ પ્રમાણે, અંબિકા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જ્યારે કાવેરી અને પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઘણી જ નજીક આવી ગઇ છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે વાંસદા પોલીસની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વાંસદા તાલુકામાં આવેલા અંતરિયાળ વાંગણ ગામે 1200થી વધુ પ્રવાસીઓને બચાવ્યા છે.

બંને નદીઓના કાંઠાના વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના ગામડાઓમાં તેમજ બીલીમોરા શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે. પૂરના પાણી ભરાતા રાત્રિ દરમિયાન સેંકડો લોકોનું સ્થળાંતર કરીને તેમને સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.

આજે સવારે 6 વાગે જિલ્લાની ત્રણેય નદીઓની જળ સપાટી અંગેની માહિતી પ્રમાણે, અંબિકા નદીનું જળસ્તર 30.50 ફૂટ નોંધાયુ હતુ. જ્યારે નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે. આ સાથે કાવેરી નદીનું જળ સ્તર 18 ફૂટ નંધાયુ હતુ. જ્યારે કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે. જ્યારે પૂર્ણા નદીની સપાટી આજે સવારે 6 કલાકે 21.05 ફૂટ હતી. જેની ભયજનક સપાટી 23 ફૂટ છે.

ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ગઈકાલે વલસાડની તમામ નદીઓ બે કાંઠે વહી રહી હતી. જિલ્લાના વલસાડ વાપી, પારડી, ઉંમરગામ, કપરાડા, ધરમપુર તાલુકાના 67 જેટલાં રસ્તાઓ બંધ થયા છે. લો લેવલ બ્રિજ ડુબાણમાં હોવાને લઇ પંચાયત હસ્તગના 65 રસ્તાઓ અને સ્ટેટ આર એન્ડ બી ના 2 અન્ય મુખ્ય માર્ગ બંધ થયા છે. ભારે વરસાદને લઇ નદીઓના પાણી લો લેવલ ના બ્રિજ પરથી પસાર થતા રસ્તાઓ બંધ થયા છે.

તો બીજી બાજુ વલસાડની ઓરંગા નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે નદી કિનારાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. કાશ્મીરાનગર અને બરૂડિયાવાડમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. પોતાના ઘરના છોડી જીવ બચાવી લોકો સુરક્ષિત સ્થળે પહોંચ્યા છે. તંત્ર દ્વારા સેલ્ટર હોમ શરૂ કરવામાં આવ્યા છે. કાશ્મીરાનગર અને બરૂડીયા વાડ વિસ્તારમાંથી 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારના લોકોને રામલલ્લા મંદિર હોલમાં આશરો અપાયો છે. સ્થાનિક લોકોના સહયોગ થી સેલટર હોમ માં રોકાયેલા લોકો માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સેલ્ટર હોમમાં મેડિકલ કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લામાં ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખતા રજા જાહેર કરવામાં આવી છે. આ સાથે જલાલપોર અને નવસારીની તમામ શાળા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.