અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. અને દરિયા કાંઠા વિસ્તારના શહેરોમાં ડ્રગ્સ સપ્લાયરોનો કારોબાર પણ વધી રહ્યો છે. ગુજરાત પોલીસ પણ ગુજરાતને પંજાબ બનતું અટકાવવા ડ્રગ્સ માફિયા સામે કડક પગલાં ભરી રહી છે. ત્યારે બાતમીને આધારે એનસીબી, અને નેવી ઈન્ટેલિજન્સએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જામનગરમાંથી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.NCBની ટીમ અને નેવી ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને 6 કરોડની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ડ્રગ્સ કેસમાં વધુ ત્રણ લોકોની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ કેસની સુરક્ષા એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, જામનગરમાં ઇન્ડિયન નેવી ઇન્ટેલિજન્સ અને એનસીબી દ્વારા સયુંક્ત ઓપેરશન હાથ ધરવામાં આવ્યું હતું અને સેક્શન રોડ પરથી 10 કિલો ડ્રગ્સ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે ત્રણ શખ્સોની સંડોવણી ખુલતા એ ત્રણ શખ્સોની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નેવલ ઇન્ટેલિજન્સ ટીમને બાતમી મળી હતી. જેના આધારે આજે વહેલી સવારે ઇન્ડિયન નેવી અને એનસીબીની ટીમને જામનગર શહેરની આશાપુરા હોટલ નજીક શંકાસ્પદ હાલતમાં એક શખ્સ મળી આવ્યો હતો. ત્યારબાદ તેની સઘન પૂછપરછ કરતા તેના થેલામાંથી જૂદા જૂદા પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ ખોલતાજ તેમાં એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. તપાસ એજન્સીઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી મળેલા જથ્થાનું વજન કરવામાં આવતા 10 કિલો ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. જેની અંદાજીત કિંમત 6 કરોડની આસપાસ થાય છે. ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખ્સની આકરી પૂછપરછ કરતા તેણે અન્ય ત્રણ શખ્સો પણ સંડોવાયેલા હોવાની માહિતી આપી હતી. આ માહિતીના આધારે તપાસ કરતી ટીમ દ્વારા અન્ય ત્રણ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતની દરિયાઈ પટ્ટી પર ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસ દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કર્યા બાદ વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં દરિયાઈ પટ્ટી અને ડ્રગ્સના લેન્ડિંગ પોઇન્ટ નજીક રહેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાવામાં આવી હતી. પોલીસ દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને પોરબંદરની દરિયાઈ પટ્ટી પર આ કાર્યવાહી કરવા આદેશ અપાયો છે