મુંબઈઃ છેલ્લા એક વર્ષમાં બોલિવુડ પોતાની ફિલ્મોની જગ્યાએ ડ્રગ્સના કારણે ચર્ચામાં છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)એ બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સના નેટવર્ક ઉપર તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. તાજેતરમાં બોલિવુડમાં કિંગખાનના નામે જાણીતા અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની એનસીબીએ ડ્રગ્સના આરોપસર અટકાયત કરી છે. ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મૃત્યુ બાદ ડ્રગ્સનો એંગ્લ સામે આવ્યો હતો. દરમિયાન એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેનું નામ ચર્ચામાં આવ્યું છે.
એનસીબી દ્વારા બોલિવુડને ટાર્ગેટ કરવામાં આવતું હોવાના આક્ષેપ અંગે જાણીતા અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીતમાં સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, એવુ અનેકવાર થયું છે કે અમારા ઉપર બોલિવુડને ટાર્ગેટ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવે છે, છેલ્લા 10 મહિનામાં અમે કુલ 105 લોકો સામે કેસ કર્યાં છે. આમાથી કેટલાક લોકો જ સેલિબ્રિટી હતા. તેમજ 310 લોકોની ધરપકડ કરાઈ છે, અમે 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. પરંતુ આ અંગે કોઈ વાત નથી કરતા. તમામ લોકો આર્યન ખાનની ચર્ચા કરે છે પરંતુ એનસીબીએ માત્ર બે દિવસમાં 5 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે પરંતુ આની ઉપર કોઈ ધ્યાન આપતું નથી. ગત અઠવાડિયામાં અમે લગભગ 6 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે જેનો સંબંધ અંડરવર્લ્ડ સાથે હતો પરંતુ આ મુદ્દે કોઈ ચર્ચા કરતું નથી. એક નાઈજીરિયન ડ્રગ્સ ડિલરને પકડવા ગયેલા અમારો એક કર્મચારી ઈજાગ્રસ્ત થયો હતો આ અંગે કોઈ ચર્ચા કરતું નથી. પરંતુ કોઈ જાણીતી વ્યક્તિને પકડીએ ત્યારે સમાચાર બને છે અને આરોપ લાગે છે કે અમે માત્ર બોલિવુડને ટાર્ગેટ કરી રહ્યાં છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી ટીમ માત્ર કામ કરી રહી છે અને એમાં કેટલાક જાણીતા વ્યક્તિઓ પણ પકડાય છે. નિયમ તમામ લોકો માટે સમાન હોય છે તો શું અમે સેલિબ્રીટીઝને જવા દઈએ, જે કાનૂનનું પાલન નહીં કરે તેને છોડવામાં નહીં આવે, તેઓ સેલિબ્રીટીઝ હોય તો કાનૂન તોડવાનો અધિકાર મળે છે, અમે માત્ર ડ્રગ પેડલર્સને પકડીએ અને માત્ર ઝુંપડપટ્ટીમાં દરોડા પાડીએ એવુ ના બની શકે.
આર્યન ખાન અને સુશાંતસિંહ રાજપુતના કેસથી ચર્ચામાં આવેલા સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, હું માનું છે કે આ કેસ ચર્ચાસ્પદ છે, પરંતુ સુશાંતનો કેસ નંબર 16 પછી આ કેસ નંબર 105 છે, આ વચ્ચે અનેક કેસ નોંધાયાં છે, જો કે, લોકો અન્ય કેસ અંગે કંઈ બોલતા નથી કારણે તેઓ મશહુર નથી. અમે લોકોએ ડ્રગ્સના 12 જેટલા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે પરંતુ આ અંગે કોઈ વાત નથી કરતું.