NCERT: ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સંબંધિત વિષયને દૂર કરવાનો નિર્ણય
નવી દિલ્હીઃ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધો. 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સાથે જોડાયેલ પાઠ્યસામગ્રીને હટાવી હોવાનું જાણવા મળે છે. અભ્યાસક્રમમાંથી ઈમરજન્સી સહિતના કેટલાક વિવાદીત સામગ્રી પણ પુસ્તકમાંથી દૂર કરવામાં આવ્યો છે. ગુજરાતના રમખાણોની સાથે-સાથે નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદને પણ પુસ્તકમાંથી હટાવી દેવાયો છે. NCERTએ જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 પણ આની પર ભાર મૂકે છે. આ પૃષ્ઠભૂમિમાં, NCERT એ તમામ વર્ગો માટે પાઠ્યપુસ્તકોને તર્કસંગત બનાવવાની કવાયત હાથ ધરી છે. કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓ ઉપર વિષયનું ભારણ હટાવવા માટે વિવાદીત સમગ્રી દૂર કરવાનો નિર્ણય કરાયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર NCERTએ ધોરણ 12માંના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી ગુજરાતના રમખાણો તેમજ અન્ય વિષયોને હટાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદાસ્પદ વિષયોનો પણ સમાવેશ કરાયો છે. પુસ્તકમાં “નક્સલી આંદોલન”ના ઇતિહાસના પેજની સંખ્યા 105 અને “ઇમરજન્સી દરમિયાન વિવાદ” પેજ સંખ્યા 113-117માં સામેલ હતાં. કોરોના મહામારીને જોતા વિદ્યાર્થીઓ પર વિષયનો ભાર ઓછો કરવો જરૂરી છે. એ જ હેતુ માટે અપ્રસ્તુત વિષયોને દૂર કરવામાં આવ્યા છે. ગુજરાતના રમખાણો સાથે જોડાયેલી સામગ્રી પાઠ્યસામગ્રી ધોરણ 12માં પોલિટિકલ સાયન્સ (Political Science) વિષયના પુસ્તકમાં પેજ 187થી 189 પર હતી. તેને દૂર કરવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી પાઠ્યપુસ્તક તર્કસંગત યોજના અંતર્ગત ધો. 12ના અભ્યાસક્રમમાં સુધારો કરાયો છે.