NCPના કોઈ ભાગલા પડ્યાં નથી અને અજીત પવાર પાર્ટીના નેતા છેઃ શરદ પવાર
પુણેઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું કે, પાર્ટીમાં કોઈ વિભાજન નથી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પાર્ટીના નેતા તરીકે ચાલુ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક નેતાઓએ “અલગ રાજકીય વલણ” લઈને NCP છોડી દીધી છે, પરંતુ આને પાર્ટીમાં ભાગલા ન કહી શકાય. પવારે બારામતીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ વાત કહી હતી.
શરદ પવારની પુત્રી અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેએ એક દિવસ પહેલા કહ્યું હતું કે અજિત પવાર પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય છે. બારામતીના લોકસભાના સભ્ય સુલેએ અજિત પવાર વિશે કહ્યું હતું કે, “હવે, તેમણે પક્ષ વિરુદ્ધ સ્ટેન્ડ લીધું છે અને અમે સ્પીકરને ફરિયાદ કરી છે અને તેમના જવાબની રાહ જોઈ રહ્યા છીએ.”
જ્યારે સુલેના નિવેદન વિશે પૂછવામાં આવ્યું કે “એનસીપીમાં કોઈ વિભાજન નથી અને અજિત પવાર પાર્ટીના નેતા છે”, શરદ પવારે કહ્યું, “હા, તેમાં કોઈ શંકા નથી.” એવું કેવી રીતે કહી શકાય કે એનસીપીમાં ભાગલા પડ્યા છે. અજિત પવાર અમારી પાર્ટીના નેતા છે.
તેમણે કહ્યું, “રાજકીય પક્ષમાં વિભાજનનો અર્થ શું છે? રાષ્ટ્રીય સ્તરે પાર્ટીના મોટા જૂથમાં વિભાજન થાય ત્યારે વિભાજન થાય છે, પરંતુ અહીં એવું બન્યું નથી. કેટલાકે પાર્ટી છોડી, કેટલાકે અલગ વલણ અપનાવ્યું… લોકશાહીમાં નિર્ણય લેવાનો તેમનો અધિકાર છે.” અજિત પવાર અને અન્ય આઠ NCP ધારાસભ્યો 2 જુલાઈના રોજ સરકારમાં જોડાયા હતા.