NCPના નેતા નવાબ મલિકની મુશ્કેલીમાં વધારો, દાઉદ સાથે સંબંધના પુરાવા મળ્યા
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી એનસીપીના નેતા નવાબ મલિકની સુરક્ષા એજન્સીઓએ મની લોન્ડરિંગ કેસમાં ઘરપકડ કરી હતી. આ કેસની સુરક્ષા એજન્સીઓ ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. નવાબ મલિકની મુશ્કેલી વધવાની શકયતા છે. આઈડીએ કહ્યું કે, મલિકના અંડરવલર્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની ગેંગ સાથે સંબંધ હોવાના મજબૂત પુરાવા મળ્યા છે. સુરક્ષા એજન્સીએ નવાબ મલિકની સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. જેમાં ચોંકનાવારા ખુલાસા થયાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર તપાસનીશ એજન્સી પાસે NCPના નેતાની વિરૂદ્ધ અનેક પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. જેમાં 1993માં મુંબઈમાં શ્રેણીબંધ બલાસ્ટના આરોપી દાઉદના ભાણિયા અલી શાહ પારકરના નિવેદનનો પણ સમાવેશ થાય છે. પારકરે તપાસ એજન્સી સામે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં હતા. તેની માતા હસીના પારકરે 1996માં કુર્લા ખાતે ગોવાવાળા કમ્પાઉન્ડનો કેટલોક ભાગ મલિકને વેચ્યો હતો. અગાઉ ED દ્વારા ફેબ્રુઆરીમાં મની લોન્ડરિંગ અને ટેરર ફાઈનાન્સિંગના આરોપમાં મલિકની ધરપકડ કરવામાં આવી હતી. ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ હેઠળ અલીનું નિવેદન નોંધ્યુ છે. અલી શાહે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તેની માતા હસીના પારકર અને દાઉદ વચ્ચે પૈસાની લેવડ-દેવડ થતી હતી. તેણે સલીમ પટેલનું નામ આપ્યું હતું, જે ડુંગળીનો વ્યાપારી હતો અને સંપત્તિની લે-વેચમાં તેની માતા સાથે સામેલ હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, એનઆઈએ અને ઈડી સહિતની એજન્સીઓ દ્વારા ટેરર ફડીંગ અને મની લોન્ડ્રીંગની ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. તેમાં અત્યાર સુધીમાં અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે.