નરોડાની બેઠક પરના NCPના નિકુલ તોમરે છેલ્લી ઘડીએ ના પાડતા હવે મેઘરાજ ડોડલાણી ચૂંટણી લડશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે પ્રચારનો ધમધમાટ વધી રહ્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે પણ નડરતરૂપ અપક્ષ ઉમેદવારોને ઉમેદવારી પરત ખેંચવા સમજાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારની વિધાનસભા બેઠક પરથી એનસીપીના ઉમેદવાર નિકુલસિંહ તોમરે છેલ્લી ઘડીએ ચૂંટણી લડવાની ના પાડતા તેના સ્થાને મેઘરાજ ડોડલાણીને ટિકિટ આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. નરોડા બેઠક પર કોંગ્રેસે એનસીપી સાથે ગંઠબંધન કર્યું હોવાથી આ પેચ ફસાયો છે. નરોડા બેઠક પરથી NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમણે છેલ્લી ઘડીએ ફોર્મ પાછુ ખેંચી લીધું છે. હવે આ બેઠક પરથી મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, થોડા દિવસ પહેલા NCPએ નિકુલસિંહ તોમરને મેન્ડેટ આપ્યો હતો. જોકે નિકુલસિંહ તોમરે છેલ્લી ઘડીએ ચૂંટણી લડવાની ના પાડી હતી. કહેવાય છે. કે, નિકુલસિંહને ચૂંટણી લડવી હોય તો AMCના કોર્પોરેટર પદેથી રાજીનામું આપવું પડે એમ હોવાથી તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. એટલે એનસીપીએ મેઘરાજ ડોડવાણીની પસંદગી કરી છે. નરોડા બેઠક પર સિંધી સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે. ત્યારે હવે આ ચૂંટણીમાં NCPએ સિંધી આગેવાન મેઘરાજ ડોડવાણીને ટિકિટ આપી છે. નરોડા બેઠક પર NCPના મેઘરાજ ડોડવાણી, ભાજપના પાયલ કુકરાણી અને AAPના ઓમપ્રકાશ તિવારી વચ્ચે ટક્કર થશે.