NCRTCએ સેમી-હાઈ સ્પીડ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનું બદલ્યું નામ,હવે આ નામથી ઓળખાશે
દિલ્હી : નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) એ દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ રેલ આધારિત રિજનલ સર્વિસનું નામ બદલી નાખ્યું છે. મેરઠ, અલવર અને પાણીપતની લાઇન સાથે દિલ્હીની આગામી સેમી-હાઈ સ્પીડ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) હવે RAPIDEX તરીકે ઓળખાશે. આ નવી રેલ પ્રણાલીનું હજુ સુધી સત્તાવાર નામ નથી. RRTS ને સરળ રીતે રેલ પ્રણાલીના પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે (એટલે કે પ્રાદેશિક ટ્રેન સેવા). જેમ MRTS (માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) સ્થાનિક મેટ્રો અથવા મોનોરેલ સેવાઓનો સંદર્ભ આપે છે.
દિલ્હી-મેરઠ RRTS એ નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) દ્વારા અમલમાં મુકાયેલ સેમી-હાઈ સ્પીડ રેલ આધારિત પરિવહન નેટવર્ક છે. તેની કુલ લંબાઈ 82 કિલોમીટર છે. જેમાંથી 14 કિમી દિલ્હીમાં છે, જ્યારે 68 કિમી ઉત્તર પ્રદેશમાં છે. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોર પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં ભીડ ઘટાડવાનો છે.
આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 8 માર્ચ 2019ના રોજ કરવામાં આવ્યો હતો. તેનું નિર્માણ કાર્ય જૂન 2019માં શરૂ થયું હતું. એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી, RRTS ટ્રેનોની ડિઝાઇન સ્પીડ 180 kmph અને ઓપરેશનલ સ્પીડ 160 kmph હશે. દિલ્હી-મેરઠ RRTS બે મોટા શહેરો વચ્ચેનું અંતર 55 મિનિટમાં કવર કરી શકે છે. ઉપરાંત, આ કોરિડોરમાં કુલ 25 સ્ટેશનો હશે. આ કોરિડોર પર રેપિડ રેલ 2025 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે.
તેના એક કોચમાં 75 મુસાફરો બેસી શકશે અને વધુમાં વધુ 400 મુસાફરો મુસાફરી કરી શકશે. ઈમરજન્સીના કિસ્સામાં દર્દીને રેપિડ ટ્રેન દ્વારા સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જઈ શકાય છે. ઉર્જા બચાવવા માટે રેપિડ રેલ પાસે જરૂરિયાતના આધારે પસંદગીના દરવાજા ખોલવા માટે પુશ બટનો હશે. જેના કારણે દરેક સ્ટેશન પર તમામ દરવાજા ખોલવાની જરૂર નહીં રહે.