પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. જેમાં અમીરગઢ તાલુકામાં વિરમપુરથી ભટાવાસ જવાના રસ્તા પરનું નાળું તૂટતાં ત્રણ ગામનો સંપર્ક કપાયો છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી બનાસ નદીમાં પણ પૂર આવ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા તંત્ર એલર્ટ મોડમાં છે. દાંતીવાડા ડેમ 70 ટકા ભરાતા પાણી વોર્નિગ સ્ટેજ પર છે. જો ઉપરવાસમાં ભારે વરસાદ થશે તો ડેમના દરવાજા ખોલવાની ફરજ પડશે. જેને લઈ નદીકાંઠાના લોકોને પણ સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાળા દરમિયાન પાણીની વિકટ સ્થિતિનો સામનો કર્યા બાદ બનાસકાંઠા પર મેઘરાજા વધુ મહેરબાન બન્યા છે. જિલ્લામાં સારા વરસાદને કારણે નદી-નાળાં છલકાઈ ગયા છે. દાંતા તાલુકાની અર્જુન નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. જેમાં ઉપરવાસમાં 2 કલાકમાં ધમાકેદાર 2 ઈંચ વરસાદ પડતા નદીમાં પાણીની જંગી આવક થઈ છે. નદીમાં પાણીની આવક થતા મોક્તેશ્વર ડેમ પણ પાણીથી ભરાઈ ગયો છે. તો બીજી તરફ ધોધમાર પડી રહેલા વરસાદના પગલે ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે પાકમાં નુકશાન જવાની ભીતી સેવાઈ રહી છે
જિલ્લાના અમીરગઢ તાલુકામાં વિરમપુરથી ભટાવાસ જવાના રસ્તા પરનું નાળું તૂટતાં ત્રણ ગામનો સંપર્ક કપાયો છે. ત્રણેય ગામોમાં કોઈ વાહન લઈને જઈ શકાતું નથી, આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી બનાસ નદીમાં પણ પૂર આવ્યું છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકમાં જ 12 તાલુકામાં અડધાથી અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ પાટણના સરસ્વતીમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. પાટણમાં બે ઇંચ, જ્યારે રાધનપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.