Site icon Revoi.in

ઉપલેટા નજીક એસટી બસ રિવર્સમાં લેતા પુલની દીવાલ તોડીને નાળામાં ખાબકતા રહી ગઈ

Social Share

રાજકોટઃ ઉપલેટા નજીક આજે એસટી બસનો અકસ્માત સર્જાતા સદનસિબે રહી ગયો હતો. ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ ગઢાળા ગામથી વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો ભરીને ઉપલેટા આવી રહી હતી. ત્યારે જરા રોડ પર નાળા પરના પુલ પર સામેથી વાહન આવતાં બસના ડ્રાઈવરે બસ રિવર્સ લીધી હતી, પરંતુ પાછળ પુલની દીવાલ તોડી બસ નાળામાં ખાબકતા રહી ગઈ હતી. બસ એકબાજુ નમતાં બસમાં બેઠેલા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ સમયસૂચકતા વાપરી બસનો દરવાજો ખોલી તમામ વિદ્યાર્થીઓ અને મુસાફરો બસની બહાર નીકળી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન સર્જાતાં ડ્રાઈવર-કન્ડક્ટર સહિત એસટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ  ઉપલેટા-ગઢાળા રૂટની એસટી બસ ઉપલેટા નજીક વોકળાના પુલ પર  પહોંચી ત્યારે સામેથી એક વાહન આવતું હતું, આથી ડ્રાઈવરે બસ રિવર્સમાં લેતાં બસ પુલના છેડે ફસાઈ ગઈ હતી. ડ્રાઈવરે કંઈ જોયું નહીં અને કન્ડક્ટરે કંઈ કહ્યું નહીં અને બસને રિવર્સમાં લેતા બસ નાળામાં જતા જતા રહી ગઈ હતી. એક વિદ્યાર્થીએ તાત્કાલિક બસનો દરવાજો ખોલી નાખતાં તમામ પ્રવાસીઓ બહાર નીકળી ગયા હતા. આમ એસટી બસ જરા રોડ પર દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલા મોટા નાળામાં બસ પડતા પડતા રહી ગઈ હતી. બસનું પાછળનું વ્હીલ નાળા પર બનાવેલા પુલના છેડે ફસાઇ જતાં પલટી ખાતા રહી ગઈ હતી, આથી અનેક વિદ્યાર્થીઓના જીવ માંડ માંડ બચ્યા છે.

બસના પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, ઉપલેટાથી ભાયાવદર સુધી જેટલા વોકળા આવેલા છે તેના પર પુલ છે, પરંતુ પુલની બન્ને બાજુ જે સંરક્ષણ આપતી દીવાલ હોવી જોઈએ એ એકપણ વોકળા પરના પુલ પર નથી, આથી અવારનવાર વોકળા પર અકસ્માતો સર્જાતા હોય છે. ગ્રામજનોએ અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી, પણ અત્યારસુધી યોગ્ય જવાબ મળ્યો નથી. પુલ પર સંરક્ષણ આપતી દીવાલો વહેલી તકે કરવી જોઈએ એવી માગણી છે. જે નાળા પરના પુલ પરથી બસ પસાર થઈ રહી હતી એ પુલની હાલત પણ બિસ્માર જોવા મળી હતી. વહેલી તકે આવા પુલોનું રિનોવેશન અથવા નવા બનાવવામાં આવે એવી સ્થાનિક લોકોએ માગ કરી રહ્યા છે. આ પુલ પરથી મોટાં વાહનો પણ પસાર થઈ રહ્યાં છે, આથી પુલ ગમે ત્યારે ધરાશાયી થાય અને મોટો અકસ્માત સર્જાઇ શકે છે.