‘નીરજ ચોપરા શ્રેષ્ઠતાનું ઉદાહરણ’, સિલ્વર મેડલ જીતવા બદલ નરેન્દ્ર મોદીએ ‘ગોલ્ડન બૉય’ને અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને જેવલિન થ્રોના સ્ટાર નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, તે ઉત્કૃષ્ટકતાનું સાકાર રૂપ છે. ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ વિજેતા નીરજે પેરિસમાં 89.45 મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો છે.
નીરજ આવનારા ખેલાડીઓને ગૌરવ અપાવશે
પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર અભિનંદન પાઠવતા કહ્યું કે, ‘નીરજ ચોપરા શ્રેષ્ઠતાનું મૂર્ત સ્વરૂપ છે. વારંવાર તેમણે પોતાની શ્રેષ્ઠતા દર્શાવી છે. દેશ ઘણો ખુશ છે કે તેમણે ફરી એકવાર ઓલિમ્પિકમાં સફળતા હાંસલ કરી છે. આ સાથે પીએમે તેમને અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓ આવનારા અસંખ્ય ખેલાડીઓને તેમના સપના પૂરા કરવા અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રેરણા આપતા રહેશે.
નીરજ ચોપરાએ 89.45 મીટર ભાલો ફેંક્યો હતો
પેરિસ ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલની સૌથી મોટી આશા નીરજ ચોપરા પાસેથી હતી. જો કે, નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે 89.45 મીટર થ્રો ફેંક્યો છે. પાકિસ્તાનના અરશદ નદીમે ઓલિમ્પિકમાં નવા રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નદીમે 92.97 મીટરનો થ્રો ફેંકીને નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે.
નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટરનો થ્રો ફેંક્યો
ઉલ્લેખનીય છે કે, 26 વર્ષીય નીરજનો બીજો થ્રો તેનો એકમાત્ર સાચો થ્રો હતો, જેમાં તેણે 89.45 મીટર થ્રો કર્યો હતો. આ સિવાય નીરજના પાંચેય પ્રયાસો ફાઉલ રહ્યા હતા. તેણે ટોક્યોમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.