નવી દિલ્હીઃ નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગ 2024માં બીજા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો. વર્ષ 2023માં પ્રથમ સ્થાન મેળવનાર ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ આ વર્ષની શરૂઆત 88.36 મીટરના થ્રો સાથે કરી હતી. તે પ્રથમ સ્થાન ત્રણ સેન્ટિમીટરથી ચૂકી જતા જેકબ વેડલેજ 88.38 મીટર સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો. જ્યારે ભારતના જ કિશોર જેનાએ 76.31 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે નવમા સ્થાને રહ્યા હતા.
ભારતીય રાષ્ટ્રીય રેકોર્ડ ધારકે તેના પ્રથમ પ્રયાસમાં જ ફાઉલથી શરૂઆત કરી હતી પરંતુ સ્પર્ધા આગળ વધતાં ધીમે ધીમે તેના સ્કોર્સમાં સુધારો થયો હતો.
ચોપરાનો બીજો થ્રો 84.93 મીટરના અંતરે ગયો. તેણે 86.24 મીટરનો ત્રીજો થ્રો રેકોર્ડ કર્યો. 2022ના ડાયમંડ લીગ ચેમ્પિયને આખરે છઠ્ઠા પ્રયાસમાં 88.36mનો શ્રેષ્ઠ થ્રો હાંસલ કર્યો.
દોહામાં સ્પર્ધા કર્યા પછી, નીરજ ચોપરા 12 થી 15 મે દરમિયાન ઓડિશાના કલિંગા સ્ટેડિયમ, ભુવનેશ્વર ખાતે 27મી નેશનલ ફેડરેશન કપ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.