અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરોમાં એમબીબીએસમાં પ્રવેશ માટેની યુજી નીટની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. આ પરીક્ષા રાષ્ટ્રિય લેવલે ગુજરાત સહિત દેશભરમાં લેવામાં આવી હતી. જેમાં 1.10 લાખ બેઠકો સામે 24 લાખ વિદ્યાર્થીના રજિસ્ટ્રેશન થયાં હતા. અમદાવાદ શહેરમાં પણ 21 જેટલાં સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સવારના 11:00 વાગ્યાથી જ પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. અસહ્ય ગરમીમાં પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો. ગરમીમાં વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ શેકાયા હતા.
રાજ્યમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિત શહેરોમાં પણ નીટની પરીક્ષા શાતિથી પૂર્ણ થઈ હતી. રાજકોટમાં 7 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી જ્યારે વડોદરામાં 12 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સવારે 11 વાગ્યાથી પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. દૂર-દૂરથી આવેલા વાલીઓને કલાકો સુધી પરીક્ષા કેન્દ્રની બહાર ઉભા રહેવાનો વારો આવ્યો હતો, વડાદરાના કલાલી વિસ્તારમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલની બહાર વાલીઓનો જમવડો જોવા મળ્યો હતો. જોકે, દિલ્હી પબ્લિક સ્કૂલની બહાર વાલીઓ માટે પાણીની કે બેસવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી વાલીઓને તડકામાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. કેટલાક વાલીઓ ઝાડના છાયડામાં ગરમીથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી વાલીઓને તરસ્યા રહેવાનો વારો આવ્યો હતો. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓના ચહેરા પર થોડા ટેન્શન સાથે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.
ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ માટેની NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) રવિવારે બપોરે 2થી 5.20 વાગ્યા દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના વિષયના 720 માર્કના 180 MCQ પૂછાયા હતા. જેમાં 1 MCQના 4 માર્ક નિયત કરાયા હતા. 1 MCQ ખોટો પડશે તો 1 માર્ક કપાશે. જેમાં 180માંથી 90 પ્રશ્ન બાયોલોજીના હતા જ્યારે 45 ઝૂઓલોજી અને 45 પ્રશ્નો બોટની વિભાગના હતા. જ્યારે 45 ફિઝિક્સ અને 45 પ્રશ્નો કેમેસ્ટ્રી વિષયના હતા.