અમદાવાદઃ દેશભરમાં મેડીકલ પ્રવેશ માટેની નીટ (NEET) પરીક્ષાના પેપરલીક થતાં દેશના 23 લાખ ગુજરાતના 80,000 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને તેમના પરિવારોના સપનાઓ સાથે વિશ્વાસઘાત છે. ભાજપા સરકારમાં પ્રવેશ પરીક્ષા અને સરકારી વિભાગોની ભરતી માટેની પરીક્ષાઓના વારંવાર પેપરલીક થવાની ઘટનાઓ બની રહી છે. છતાંયે કોઈ પગલાં લેવાતા નથી. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા દેશભરના વિવિધ શહેરોમાં મેડીકલ પ્રવેશ માટે નીટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં અંદાજે 23 લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ પ્રવેશ પરીક્ષા આપી હતી. ધો. 12 પાસ પછી તબીબી અભ્યાસક્રમો મેડીકલ (MBBS) ડેન્ટલ (BDS) માં પ્રવેશ માટે મહેનત કરીને સપના સજાવતા વિદ્યાર્થીઓ હોય કે સરકારી નોકરી માટે સંઘર્ષ કરી રહેલા મહેનતુ યુવાનો, દરેક માટે કેન્દ્રની મોદી સરકાર અભિશાપરૂપ સાબિત થઈ રહી છે. કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષથી અને ગુજરાતમાં 25 વર્ષથી ભાજપ સરકારની નાકામીપણાની કિંમત દેશના અને ગુજરાતના યુવાનો અને તેમના પરિવારો પણ સમજી ચુક્યા છે. કે, ભાષણ કરવું એક વાત છે અને શાસન ચલાવવું બીજી વાત છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, 25 વર્ષથી ભાજપા સરકારમાં મોટા પાયે ગોલમાલ-ગોટાળાએ ભાજપા સરકારની સિધ્ધી બની ગઈ છે. ગુજરાતમાં 14 કરતા વધુ વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટાભાગની સરકારી નોકરી માટેની પરીક્ષામાં-ભરતીમાં ગેરરીતી-ગોલમાલ, પેપરલીંક એ સામાન્ય ઘટના બની ગઈ છે. કોંગ્રેસ પક્ષએ ન્યાય પત્ર દ્વારા કડક કાયદો બનાવીને યુવાનોને પેપરલીકથી મુક્તિ અપાવવાનો અને પારદર્શક પરીક્ષા વ્યવસ્થાનો સંકલ્પ કર્યો છે. વિદ્યાર્થી, યુવાનો, સ્વાસ્થ્ય અને પારદર્શી માહોલ માટે કોંગ્રેસ પક્ષની ગેરંટી છે.