NEET-UG પ્રશ્નપત્ર લીક કેસ: CBIએ પટના એઈમ્સના ત્રણ વિદ્યાર્થીઓની પૂછપરછ કરી
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) પ્રશ્નપત્ર લીક કેસમાં AIIMS પટનાના ત્રણ વિદ્યાર્થીઓની પૂછપરછ કરી છે. જે વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી છે તેમના વિશે હાલમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.
અધિકારીઓએ જણાવ્યું કે, CBIએ મંગળવારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી જમશેદપુરના 2017 બેચના સિવિલ એન્જિનિયર પંકજ કુમાર ઉર્ફે આદિત્યની ધરપકડ કરી હતી. એવો આરોપ છે કે કુમારે હજારીબાગમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ટ્રંકમાંથી NEET-UG પ્રશ્નપત્રની ચોરી કરી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોકારોના રહેવાસી કુમારની પટનાથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, સીબીઆઈએ રાજુ સિંહ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી છે, જેણે કુમારને પેપર ચોરવામાં કથિત રીતે મદદ કરી હતી. સિંહની હજારીબાગમાંથી ધરપકડ કરવામાં આવી હતી. મેડિકલ પ્રવેશ પરીક્ષામાં કથિત ગેરરીતિઓની તપાસ કરી રહેલી સીબીઆઈએ છ એફઆઈઆર નોંધી છે.
બિહારમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆર પ્રશ્નપત્ર લીક સંબંધિત છે, જ્યારે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં નોંધાયેલી બાકીની એફઆઈઆર ઉમેદવારોની ગેરરીતી અને નકલ કરવા સંબંધિત છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સંદર્ભના આધારે એજન્સીની પોતાની એફઆઈઆર, NEET-ગ્રેજ્યુએટ 2024 માં કથિત ગેરરીતિઓની ‘વ્યાપક તપાસ’ સાથે સંબંધિત છે.
NEET-UG સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS, આયુષ અને અન્ય સંબંધિત તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NTA દ્વારા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે, પરીક્ષા 5 મેના રોજ 14 વિદેશી શહેરો સહિત 571 શહેરોમાં 4,750 કેન્દ્રો પર લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 23 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.