પડોશી પ્રથમઃ ભારતે અફઘાનીસ્તાનને દસ બેચ મારફતે 32 ટન તબીબી સહાય પૂરી પાડી
નવી દિલ્હીઃ પડોશી પહેલો અભિયાન હેઠળ ભારત પાકિસ્તાન સિવાય અન્ય પડોશી દેશોને મદદ કરવા માટે તત્પર રહે છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિતના દેશોને ભારતે જરૂરી મદદ પુરી પાડી છે. દરમિયાન ભારત દ્વારા માનવતાવાદી સહાયના ભાગરૂપે અફઘાનિસ્તાનને તબીબી સહાયનો દસમો હપ્તો પૂરો પાડવામાં આવ્યો છે. આ સહાય કાબુલની ઈન્દિરા ગાંધી હોસ્પિટલને આપવામાં આવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર અફઘાન લોકોને મદદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી તાકીદની અપીલને ધ્યાનમાં રાખીને, ભારતે અત્યાર સુધીમાં દસ બેચમાં 32 ટન તબીબી સહાય પૂરી પાડી છે જેમાં આવશ્યક જીવનરક્ષક દવાઓ, ટીબી વિરોધી દવાઓ, કોવિડ રસીના પાંચ લાખ ડોઝનો સમાવેશ થાય છે. આ મેડિકલ કન્સાઈનમેન્ટ્સ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ઈન્દિરા ગાંધી ચિલ્ડ્રન હોસ્પિટલ, કાબુલને સોંપવામાં આવ્યા છે. અગાઉ પણ ભારત દ્વારા અફઘાનિસ્તાનને જરૂરી મદદ પુરી પાડવામાં આવી છે.