ભારતના પાડોશી દેશ નેપાળે પણ આજે અંતરિક્ષમાં પહેલી ઉડાન ભરી લીધી છે. નેપાળે પોતાનો પહેલો ઉપગ્રહ નેપાલીસેટ-1 બુધવારે મોડી રાતે અમેરિકાથી સફળતાપૂર્વક લોન્ચ કર્યો. આ લોન્ચથી લોકો અને વૈજ્ઞાનિકોની વચ્ચે ઉત્સાહનો માહોલ છે.
નેપાળ એકેડેમી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (એનએએસટી)ના જણાવ્યા પ્રમાણે, નેપાળના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર ઉપગ્રહ અમેરિકામાં વર્જિનિયાથી બુધવારે મોડી રાતે 2.31 વાગે (નેપાળી સમય) લોન્ચ કરવામાં આવ્યો. જાપાનના ક્યૂશૂ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં અત્યારે અધ્યયન કરી રહેલા બે વૈજ્ઞાનિકો આભાસ માસ્કી અને હરિરામ શ્રેષ્ઠે પોતાની સંસ્થાની બીઆઇઆરડીએસ (બર્ડ્સ) પરિયોજના હેઠળ ઉપગ્રહ તૈયાર કર્યો.
વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ઉપગ્રહ તૈયાર કરવામાં સામેલ તમામ વૈજ્ઞાનિકો અને સંસ્થાઓને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે પોતાનો ઉપગ્રહ હોવો, દેશ માટે પ્રતિષ્ઠાની વાત છે. એનએએસટીના પ્રવક્તા સુરેશ કુમાર ધુંગલે જણાવ્યું કે તેમણે દેશમાં અંતરિક્ષ એન્જિનિયરિંગ માટે નવા રસ્તા ખોલવા માટે ઉપગ્રહમાં ઇન્વેસ્ટ કર્યું. તેમણે કહ્યું કે એનએએસટી કાર્યાલય નેપાલીસેટ-1ની મદદથી સંચાર અને દેશના ભૌગોલિક ક્ષેત્રની ઇમેજને એકત્ર કરવાનું કામ કરશે.