નેપાળમાં બુધવારે સવારે બોમ્બ વિસ્ફોટ થયો છે. નુવાકોટ જિલ્લાના વોર્ડ કાર્યાલયની બહાર સવારે વિસ્ફોટ થયો હતો. આ સિવાય મકવાનપુરમાં બે વાહનો પર હુમલો કરવામાં આવ્યો છે. તેની સાથે જ હેટુડામાં ચાર સ્થાનો પર શંકાસ્પદ સામાન મળ્યો છે. ઘટનાસ્થળે નેપાળી સેનાની બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોર્ડ પહોંચી ચુકી છે. હાલમાં સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ વિસ્ફોટોની પાછળ કોનો હાથ છે.
નેપાળમાં આના પહેલા મે માસમાં અલગ-અલગ ત્રણ સ્થાનો પર થયેલા બોમ્બ વિસ્ફોટોમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નેપાળના સ્થાનિક મીડિયા પ્રમાણે, આ બોમ્બ વિસ્ફોટ સુખેધરા, ઘટ્ટેકુલો અને નગધુંગા વિસ્તારમાં થયા હતા. બોમ્બ વિસ્ફોટ બાદ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બોમ્બ વિસ્ફોટ સાથે જોડાયેલા ઘણાં મહત્વના ખુલાસા હજી સુધી થઈ શક્યા નથી. વિસ્ફોટ બાદ જ પોલીસે આખા વિસ્તારની ઘેરાબંધી વધારી દીધી હતી અને લોકોના આવાગમન પર પણ રોક લગાવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે વિસ્ફોટની પાછળ સરકાર વિરોધી માઓવાદીઓનો હાથ હોવાની શક્યતા છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જે મકાનમાં વિસ્ફોટ થયો, તેનો માઓવાદી સંગઠન બોમ્બ બનાવવામાં ઉપયોગ કરતું હતું.