Site icon Revoi.in

નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલની તબિયત બગડી,હોસ્પિટલમાં દાખલ

Social Share

દિલ્હી:નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ શનિવારે રાત્રે કાઠમાંડુની ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારીઓએ આ જાણકારી આપી. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ પૌડેલને શનિવારે મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.

78 વર્ષીય પૌડેલે બે અઠવાડિયા પહેલા જ નેપાળના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. નેપાળી કોંગ્રેસ પાર્ટીના નેતા રામચંદ્ર પૌડેલને ગયા મહિને યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 33,802 મત મળ્યા હતા. પૌડેલને સંસદના 214 સભ્યો અને પ્રાંતીય એસેમ્બલીના 352 સભ્યોનું સમર્થન હતું. પૌડેલ આઠ પક્ષોના ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર હતા. તેમાં નેપાળી કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ- માઓઈસ્ટ સેન્ટર (CPN- Maoist Centre)નો સમાવેશ થાય છે.

14 ઓક્ટોબર, 1944ના રોજ બાહુનપોખરીમાં મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં જન્મેલા પૌડેલ નાની ઉંમરે રાજકારણમાં જોડાયા હતા. તેઓ વર્ષ 1970માં નેપાળી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેપાળ વિદ્યાર્થી સંઘના સ્થાપક સભ્ય બન્યા. 1980 માં, પૌડેલ નેપાળી કોંગ્રેસ (પ્રતિબંધિત) ની તનહુન જિલ્લા સમિતિના ઉપ-પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 1987માં તેમને બઢતી આપવામાં આવી અને પાર્ટીની સેન્ટ્રલ વર્કિંગ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું. તે જ વર્ષે, તેમને પાર્ટીની પ્રચાર સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા. 2005માં પૌડેલ પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા, 2007માં તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમણે વર્ષ 2015માં કાર્યકારી રાષ્ટ્રપતિની ભૂમિકા પણ સંભાળી હતી.