નેપાળમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં અહીંના પર્યટન પ્રધાન રબીન્દ્ર અધિકારીનું મોત નીપજ્યું છે. એએનઆઈના અહેવાલ મુજબ, આ દુર્ઘટનામાં અન્ય પાંચ લોકો પણ માર્યા ગયા છે.
પ્રારંભિક અહેવાલ મુજબ, આ દુર્ઘટના નેપાળના પૂર્વ વિસ્તારમાં થઈ છે. નેપાળના ગૃહ સચિવનું કહેવું છે કે આ દુર્ઘટના ટેરાથમ જિલ્લામાં થઈ છે.
અહેવાલમાં નેપાળ પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ હેલિકોપ્ટરમાં છ લોકો મુસાફરી કરી રહ્યા હતા. હેલિકોપ્ટર નેપાળના પહાડી વિસ્તારોમાં ઉડાણ ભરી રહ્યું હતું. તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. નેપાળના પોલીસ પ્રવક્તા ઉત્તમ રાજ સુબેદીએ કહ્યુ છે કે હેલિકોપ્ટરના ઉડાણ ભર્યાના કેટલાક સમય બાદ કાઠમંડૂ ખાતે એરપોર્ટ ટાવરથી તેનો સંપર્ક તૂટી ગયો હતો.
નેપાળ પોલીસનું કહેવું છે કે રેસ્ક્યૂ ટીમ હેલિકોપ્ટરના કાટમાળની શોધખોળ કરી રહી છે. પરંતુ ખરાબ હવામાનને કારણે તેમને આમા મુશ્કેલી પડી રહી છે. દુર્ઘટના સ્થળ કાઠમંડૂથી ચારસો કિલોમીટરના અંતરે છે. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર એર ડાયન્સિટીનું છે.
પર્યટન પ્રધાન સાથે સફર કરી રહેલા લોકોમાં હેલિકોપ્ટરના પાયલટ કેપ્ટન પ્રભાકર કેસી, પર્યટન બિઝનસની સાથે જોડાયેલા એન. છિરિંગ શેરપા, સુરક્ષાકર્મી અર્જૂન ધિમરે, વડાપ્રધાનના નિકટવર્તી યુબરાજ દહલ, બિરેન્દ્ર શ્રેષ્ઠ અને અન્ય એક શખ્સનો સમેશ થતો હતો.
નેપાળના મીડિયાનું કહેવું છે કે પર્યટન પ્રધાન પાથીભરા મંદિર જઈ રહ્યા હતા. અહીંથી તેઓ પંચથાર જવાના હતા. ત્યાં તેઓ ચુહાન દંડામાં નિર્માણાધીન એરપોર્ટનું નિરીક્ષણ કરવાના હતા. આ દુર્ઘટના બાદ નેપાળના વડાપ્રધાને ઈમરજન્સી મીટિંગ પણ બોલાવી છે.