નેપાળના વિદેશ પ્રધાન ભારતની મુલાકાતે આવશે, વિવાદીત નકશા મુદ્દે થશે ચર્ચા
દિલ્હીઃ ભારતના કાલાપાની, લિમ્પીયાધુરા અને લિપુલેખ વિસ્તાર મુદ્દે ફરી એકવાર નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી દ્વારા વિવાદ ઉભો કરવાના પ્રયાસ કરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. આગામી તા. 14મી જાન્યુઆરીના રોજ નેપાળના વિદેશ પ્રધાન પ્રદીપ કુમાર ગ્યાવલી ભારતની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે કાલાપાની, લિમ્પીયાધુરા અને લિપુલેખ વિસ્તાર મુદ્દે બંને દેશ વચ્ચે વાતચીત થશે તેમ નેપાળના વડાપ્રધાને જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર નેપાળ સરકારે ગયા વર્ષે વિવાદિત નકશાને બહાર પાડ્યો હતો, જેમાં ભારતના કાલાપાની, લિમ્પીયાધુરા અને લિપુલેખ ક્ષેત્ર પોતાનો પ્રદેશ હોવાનો દાવો કર્યો હતો. નેપાળ સરકારે પણ આ માટે બંધારણમાં સુધારો કર્યો હતો. ભારતે નેપાળના આ પગલાનો સખત વિરોધ કર્યો હતો. જોકે, સંબંધોને પુન: સ્થાપિત કરવા માટે બંને તરફથી સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે પણ ત્રણ દિવસની નેપાળની મુલાકાતે ગયા હતા. દરમિયાન આગામી તા. 14મી જાન્યુઆરીએ નેપાળના વિદેશ પ્રધાન ભારતની મુલાકાતે આવી રહ્યાં છે.
આ અંગે નેપાળના વડાપ્રધાને જણાવ્યું હતું કે, વિદેશ પ્રધાન પ્રદીપકુમાર ગ્યાવલી, 14 જાન્યુઆરીએ ભારતની મુલાકાતે જશે. આ સમય દરમિયાન નેપાળના નવા નકશા પર વાતચીત થશે અને આ બંને દેશો વચ્ચે સંવાદનો મોટો મુદ્દો હશે.