ગાંધીનગરના નર્મદા કેનાલની આસપાસના મોબાઈલ ટાવર્સમાંથી બેટરી ચોરાતા સાત કિમી સુધી નેટવર્ક જામ
ગાંધીનગરઃ જિલ્લામાં કોરોનાના કપરા કાળમાં પણ તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. જિલ્લાના કલોલ તેમજ સાંતેજ વિસ્તારમાંથી છેલ્લા ઘણા સમયથી મોબાઇલ ટાવર બેટરી ચોરી થયાની ફરિયાદો બાદ અડાલજના દંતાલી ગામે આવેલા મોબાઇલ ટાવરમા લગાવેલી 30 કિલો વજનની એવી કુલ 24 નંગ બેટરીઓની ચોરી થયાની ફરિયાદ દાખલ થતાં ગાંધીનગર જિલ્લામાં મોબાઇલ ટાવરની બેટરીઓની ચોરી થયાનો આંકડો 192 સુધી પહોંચી જવા પામ્યો છે. જેમાં કલોલના મોબાઈલ ટાવરો પૈકી કરોલીમાંથી 48 અને પલસાણામાંથી 48, છત્રાલના ઓળા ગામનાં ટાવર માંથી 72 બેટરીઓ અજાણ્યા તસ્કરો દ્વારા ચોરી લેવામાં આવતા આશરે સાતેક કિલોમીટર વિસ્તારમા મોબાઇલ નેટવર્ક જામ થઈ જતા મોબાઈલ ધારકો પરેશાન બન્યા હતા.
અમદાવાદના ધુમા બોપલ પાસે આવેલી આર. એસ. સિક્યુરિટી કંપનીના ફિલ્ડ ઓફિસર જીતેન્દ્ર પનાલીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ દંતાલી ગામે આવેલ શિવ આશ્રમના કમ્પાઉન્ડમાં ટાવર નંબર 1039756 માંથી બે દિવસ અગાઉ 24 નંગ બેટરીઓની ચોરી થવા પામી હતી. 30 કિલો વજનની કુલ 720 કિલો વજનની 24 નંગ બેટરીની ચોરી થતાં અડાલજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે ફરિયાદીએ જણાવ્યુ હતુ કે, કંપનીનાં મોબાઈલ ટાવરોમાં વોડાફોન અને એરટેલ કંપનીનું નેટવર્ક કાર્યરત હોય છે. આ મોબાઈલ ટાવરનું મેઈન જંકશન અડાલજ ખાતે છે. જેનાથી અન્ય ટાવરો લીંકડ હોય છે. એક ટાવરથી આશરે 7થી8 કિલો મીટર વિસ્તારનાં મોબાઈલ યુઝર સંકળાયેલા હોય છે. જ્યારે ટાવરની બેટરીઓ ચોરાઈ જાય તો મોબાઈલ નેટવર્ક જામ કે બંધ થઈ જતું હોય છે. તેમજ એક ટાવરની ફ્રિકવન્સી ઓછી કે બંધ થાય તો તેની નજીકનાં વિસ્તારમાં કાર્યરતનાં ટાવરના સિગ્નલો જોડે કનેક્ટિવિટી થઈ જતી હોય છે. જેથી મોબાઈલ નેટવર્ક જામ થવાની સ્થિતિ સર્જાતી હોય છે.
જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ પાસેના વિસ્તારમાં સીસીટીવી કેમેરા ન હોવાને કારણે તસ્કરો આવા ટાવરને ટાર્ગેટ કરતા હોય છે. જેથી કેમેરાની નજરથી બચી ને આસાનીથી ચોરીને અંજામ આપી શકાય. કલોલના કરોલી ખાતેના ટાવરો માંથી બે વખત બેટરીઓ ચોરાઈ ચુકી છે.એમ એક ટાવરની 24 નંગ બેટરી લેખે કુલ 48 નંગ બેટરીઓ ચોરી થઈ છે.વળી સાંતેજ નાં છત્રાલ પાસેના ઓલા ગામ ખાતે કાર્યરત મોબાઈલ ટાવરમાંથી ત્રણ વખત ચોરી થતા કુલ 72 નંગ બેટરી ચોરીની ઘટના બની ચૂકી છે.