- ઈસરોના વૈજ્ઞાનિકોની મેડિકલ ક્ષેત્રે સિદ્ધિ
- કોરોનાના દર્દીઓ માટે બનાવ્યું વેન્ટિલેટર મશીન
- મોટી સંખ્યામાં દર્દીઓને થશે મદદ
અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરને પહોચી વળવા માટે સરકાર દ્વારા મોટા પ્રમાણમાં બહારથી મેડિકલ સામગ્રીની આયાત કરવામાં આવી રહી છે. દેશમાં ક્યાંક કોરોનાવાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓને ઓક્સિજનના સિલિન્ડર નથી મળતા તો ક્યાંક તેની કાળાબજારી પણ થઈ રહી છે. જો કે હવે દર્દીઓને આ મજબૂરી દુર થઈ જશે કારણકે હવે ઈસરો દ્વારા પણ વેન્ટિલેટર મશીન વિકસાવવામાં આવ્યું છે જે સસ્તી કીંમતે મળી શકે છે.
એક ખાનગી મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન તિરુવંતપુરમના વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. એસ. સોમનાથે જણાવ્યુ છે કે, તેમના વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવેલી નવી ટેકનોલોજી બજારમાં જવા માટે તૈયાર છે અને આ ટેકનીકને તેઓ મફતમાં પ્રોડક્શન કરતી કંપનીઓ સાથે શેયર કરશે
પ્રાણ નામની સિરીઝના અંતર્ગત ત્રણ પ્રકારના વેંટિલેટર્સ બનાવવામાં આવ્યા છે અને તેમાં ડિસ્પ્લે કંટ્રોલ પણ લગાવવામાં આવ્યુ છે. આ વેંટિલેટર્સની ટેકનોલોજી ઇસરોના વૈજ્ઞાનિકોએ વિક્સાવી છે. તેમના દ્વારા બનાવવામાં આવેલુ વેંટિલેટર વધુ પ્રમાણમાં વધુ પ્રેશર સાથે દર્દીને ઓક્સિજન પહોંચાડશે.
દેશમાં હાલ લોકડાઉનના કારણે કોરોનાવાયરસના કેસમાં ઘટાડો તો જોવા મળી રહ્યો છે પરંતુ કેટલાક રાજ્યોમાં મોતનો આંકડો એમનો એમ જ છે. મોતના આંકડામાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. કોરોનાની બીજી લહેર ભારતના ગામડાઓમાં પણ વધારે જોવા મળી છે જો કે હવે ગામડાઓમાં સતર્કતા પણ દાખવવામાં આવી છે જેના કારણે કોરોનાવાયરસનું સંક્રમણ ગામડાઓમાં પણ ઘટી રહ્યું છે.