મોરબી-કચ્છમાં નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મામાં કૃષિ ઈજનેરી મહાવિદ્યાલય શરૂ કરાશે
અમદાવાદઃ 2047ના વિકસિત ભારતના રોડમેપને રજૂ કરતું ગુજરાતનું ઐતિહાસિક બજેટ રજૂ. 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરતાં નાણામંત્રી કનુ દેસાઇએ મહિલાઓ, ખેડૂતો ,યુવાઓ અને ગરીબોને ધ્યાનમાં લઇ બજેટ રજૂ કર્યું ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા અંદાજપત્રમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, અન્નદાતાઓની સમૃદ્ધિ માટે ઉત્પાદકતા વધારવા અને પાકોનું મૂલ્યવર્ધન કરવા અમારી સરકાર કૃતસંકલ્પ છે. ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પ્રિસિઝન ફાર્મિંગને પ્રોત્સાહન આપવું એ સમયની માંગ છે. આ માટે અમારી સરકારે ખેડૂતો અને મહિલાઓને ખેતીમાં ડ્રોનના ઉપયોગ માટે તાલીમ અને સહાય આપવા યોજનાઓ અમલી બનાવેલ છે. કૃષિ સંશોધન ક્ષેત્રે કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ કચ્છની ખારેકને ‘જી.આઇ.’ ટેગની માન્યતા મળી છે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે બાગાયત, પશુપાલન, એગ્રો પ્રોસેસીંગ અને એગ્રો માર્કેટીંગમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે સઘન પ્રયાસો હાથ ધરી ખેડૂતોની આવક વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે.
પાક કૃષિ વ્યવસ્થા
• ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા 701 કરોડની જોગવાઇ.
• વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે 350 કરોડની જોગવાઈ.
• રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 218 કરોડની જોગવાઇ.
• એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા 200 કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત સહાય આપવા માટે 77 કરોડની જોગવાઈ.
• ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ 81 કરોડની જોગવાઇ.
• વધુ ઉત્પાદન આપતી સર્ટિફાઇડ જાતોના બિયારણ વિતરણ માટે સહાય આપવાના હેતુસર સીડ રીપ્લેસમેન્ટ રેટ (SRR) માં વધારો કરવા માટે 80 કરોડની જોગવાઈ.
• કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિવિમાન)ને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે 56 કરોડની જોગવાઈ.
• ગુજરાત રાજયના ખેડૂતોને મીલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય, પ્રચાર પ્રસાર વગેરે માટે 35 કરોડની જોગવાઈ.
પ્રાકૃતિક કૃષિ
• ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળી કુલ 168 કરોડની જોગવાઇ.
• પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા 199 કરોડની જોગવાઇ.
બાગાયત
• સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર, વિવિધ ખેત કાર્યો તેમજ પાક સંગ્રહ માટે 294 કરોડની જોગવાઈ.
• નવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા તથા કાપણી પછીના વ્યવસ્થાપન માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા 160 કરોડની જોગવાઈ.
• બાગાયતી ખેત પેદાશોના મૂલ્યવર્ધન અને સંગ્રહ માટેની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા 65 કરોડની જોગવાઈ.
• મસાલા પાકોના સર્ટીફાઈડ બિયારણ, પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવા અને ફળપાકોના જુના બગીચાઓના નવસર્જન માટે 18 કરોડની જોગવાઇ.
• બાગાયત ખાતાના રોપ ઉછેર કેંદ્રોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે 15 કરોડની જોગવાઈ.
• બાગાયતી પાકોના પાંચ નવા સેન્ટર ઓફ એકસલન્સ ઊભા કરવા માટે 15 કરોડની જોગવાઈ.
• આદિજાતિ વિસ્તારોમાં મધમાખી પાલકોને મધમાખીની હાઈવ્સ તથા કોલોની પૂરી પાડવાની યોજના હેઠળ 6 કરોડની જોગવાઇ.
કૃષિ યુનિવર્સિટીઓ
• રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવાના હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઈજનેરી મહા વિદ્યાલય ચાલુ કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન માટે 930 કરોડની જોગવાઇ.
• પશુપાલન ક્ષેત્રે શિક્ષણ તેમજ સંશોધન કાર્યમાં સંલગ્ન કામધેનુ યુનિવર્સિટી માટે 324 કરોડની જોગવાઈ.
પશુપાલન
• “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” અંતર્ગત 425 કરોડની જોગવાઈ.
• ફરતાં પશુ દવાખાના તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવાઓ માટે 110 કરોડની જોગવાઈ.
• ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય પૂરી પાડવા 62 કરોડની જોગવાઈ.
• ગાભણ તથા વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજના દ્વારા પશુપાલકોને લાભ આપવા 54 કરોડની જોગવાઈ.
• સરકારી પશુ-સારવાર સંસ્થાઓ ખાતે વિનામૂલ્યે પશુ-સારવાર ઉપલબ્ધ કરાવવા “મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના” માટે 43 કરોડની જોગવાઈ.
• પશુધન વીમા પ્રીમિયમ સહાય માટે 23 કરોડની જોગવાઈ.
• પાડી-વાછરડી ઉછેર યોજના અંતર્ગત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો માટે 11 કરોડની જોગવાઈ.
• કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા 10 કરોડની જોગવાઈ.
મત્સ્યોધોગ
• મત્સ્યબંદરો માઢવાડ, નવાબંદર, વેરાવળ-૨, માંગરોળ-૩ અને સુત્રાપાડાના વિકાસ અને રાજ્યના હયાત મત્સ્ય બંદરો, મત્સ્ય ઉતરાણ કેન્દ્રોનું આધુનિકીકરણ, અપગ્રેડેશન, ડ્રેજીંગ જેવી આનુષાંગિક બાબતો માટે 627 કરોડની જોગવાઈ.
• સાગર ખેડૂઓને હાઈસ્પીડ ડિઝલ વેટ રાહત યોજના માટે 463 કરોડની જોગવાઈ.
• દરિયાઈ, આંતરદેશીય તથા ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગના વિકાસ માટે 134 કરોડની જોગવાઈ.
સહકાર
• ખેડૂતોને બેન્કો મારફત 3 લાખ સુધીનું ટૂંકી મુદતનું પાક ધિરાણ કે.સી.સી. મારફત આપવામાં આવે છે. ધિરાણની આ રકમ પર 4% લેખે વ્યાજ રાહત આપવા માટે 1140 કરોડની જોગવાઈ.
• પશુપાલકો અને માછીમારોને 2 લાખ સુધીના ટૂંકી મુદતના ધિરાણ માટે 4% વ્યાજ રાહત આપવા 75 કરોડની જોગવાઇ.
• ખેતી વિષયક પ્રાથમિક ધિરાણ મંડળીઓના કમ્પ્યુટરાઇઝેશન માટે 46 કરોડની જોગવાઈ.
• બજાર સમિતિઓને માળખાકીય સગવડોના વિકાસ માટે સહાય કરવા કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ 23 કરોડની જોગવાઈ.
• બજાર સમિતિઓમાં પ્રોસેસીંગ યુનિટસ સ્થાપવા માટે સહાય આપવા 12 કરોડની જોગવાઇ.
• સહકારી ખાંડ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા વિવિધ યોજનાઓ અંતર્ગત 8 કરોડની જોગવાઇ.