અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ ફ્લાવર શો માટે છેલ્લા બે મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે. ફ્લાવર શોમાં માત્ર વિવિધ રાજ્યોનાં ફૂલો જ નહીં, પરંતુ વિદેશી ફૂલો અને છોડ પણ જોવા મળશે. દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં નવું આકર્ષણ ઊભું કરવાનો પ્રયાસ કરાતો હોય છે. આ વર્ષે ફ્લાવર પ્લાન્ટમાંથી સૌથી મોટું 400 મીટરનું સરદાર પટેલની પ્રતિમાનું ફ્લાવર સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. આ ઉપરાંત નવા અનેક આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર છેલ્લાં 10 વર્ષથી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે 30 ડિસેમ્બરથી આ ફ્લાવર શો યોજાશે, જેમાં ખાસ કરીને વિદેશથી ફૂલ અને છોડ મગાવવામાં આવ્યાં છે. ડેફોડેઇલસ, હાઇસિન્થ, ઓર્કિડનાં અવનવાં ફૂલો, જે યુરોપિયન દેશો, ચાઇના, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર, જર્મની અને આફ્રિકા જેવા દેશોમાંથી આ ફૂલો મગાવવામાં આવ્યાં છે. ફ્લાવર શોના નવા આકર્ષણમાં સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્પ્ચર મૂકવામાં આવ્યું છે. ફ્લાવર શોનો ગેટ વડનગરના તોરણ જેવો ઊભો કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર 30મી ડિસેમ્બરથી યોજાનારા ફ્લાવર શો જોવા માટે લાખોની સંખ્યામાં લોકો ઊમટી પડશે. ફ્લાવર શો જોવા માટે 12 વર્ષથી ઉપરની વ્યક્તિની પ્રવેશ ફી રૂ. 50 રાખવામાં આવી છે. સોમવારથી શુક્રવાર સુધી આ દર રહેશે. જ્યારે શનિવાર અને રવિવાર રૂ. 75 પ્રવેશ ફી રાખવામાં આવી છે. અંદાજિત 3 કરોડ રૂપિયાના ખર્ચે આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોમાં, જેમાં વિવિધ પ્રકારના સ્કલપ્ચર, 800 પ્રકારના વિવિધ અવનવા છોડ, નર્સરી અને ધાન્યની વાનગીઓ રહેશે. આ ઉપરાંત ફૂડ કોર્ટ પણ હશે.