અમદાવાદઃ શહેરના કાંકરિયા લેક ફ્રન્ટનો વિકાસ કરાયા બાદ મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. બહારગામથી અમદાવાદ આવનારા લોકો કાંકરિયા લેકની મુલાકાત લેતા હોય છે. ઉનાળાના વેકેશન દરમિયાન તો સાંજના સમયે મેળા જેવો માહેલ જામતો હોય છે. ત્યારે હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાંકરિયા ખાતેના બાલવાટિકાના રિ-ડેવલોપમેન્ટનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રિ-ડેવલોપ કરાયા બાદ લેઝી રીવર, રોબોટિક ડાયનો પાર્ક, ટ્રાફિક પાર્ક, ગ્લાસ હાઉસ, મીરર હાઉસ, સ્નો પાર્ક, વેક્સ મ્યુઝિયમ વગેરે જેવા નવિન આકર્ષણો ઉમેરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેક ફ્રન્ટનું નવનિર્માણ કરી આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકાસ કરવામાં આવ્યુ છે. શહેરમાં ફરવા માટેનું મુખ્ય સ્થળ બની ગયું છે. કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાત લેતા નાના ભૂલકાઓ, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, યુવાન અને વૃદ્ધો એમ તમામ ઉંમરના લોકોને આકર્ષે એવા અનેક આકર્ષણોનો સમયાંતરે ઉમેરાયા છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તે માટે કાંકરિયા પરિસરમાં બનાવવામાં આવેલા બાલવાટિકા ઘણા સમયથી ચાલતી હોવાથી તેનું માળખાકીય રિ-ડેવલોપમેન્ટ કરી નવિનીકરણ કરવામાં આવશે. જેમાં કાંકરિયા પરિસરની મુલાકાતે આવતા નાના ભૂલકાંઓ, યુવાનો, વૃદ્ધો સૌને આકર્ષે તેવા નવિન આકર્ષણો ઉમેરવા અર્થે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે બાલવાટિકાનું મોર્ડનાઈઝેશન અને અપગ્રેડેશન સાથે નવી એક્ટિવિટીઝ બનાવવા જરૂરી ટેન્ડર કાર્યવાહી હાથ ધરી ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ કાંકરિયા બાલવાટિકાનો પીપીપી ધોરણે વિકાસ કરાશે, ખાનગી એજન્સીને સંચાલન સોંપાશે. એજન્સી દ્વારા બાલવાટિકામાં હયાત એક્ટિવિટીઝમાં જરૂરી સુધારા કરવામાં આવશે. ઉપરાંત, લેઝી રીવર, રોબોટિક ડાયનો પાર્ક, ટ્રાફિક પાર્ક, ગ્લાસ હાઉસ, મીરર હાઉસ, સ્નો પાર્ક, વેક્સ મ્યુઝિયમ વગેરે જેવા નવિન આકર્ષણો ઉમેરવામાં આવશે. એજન્સી દ્વારા તેઓને કામગીરી સોંપ્યાના એક વર્ષમાં નવીનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ બાલવાટિકા મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લુ મૂકવામાં આવશે.