ડાંગ, મહિસાગર, અને અરવલ્લી સહિત 6 જિલ્લામાં નવી બ્રાઉન્ડ ફિલ્ડ મેડિકલ કોલેજો શરૂ કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરાતા હવે ભવિષ્યમાં પુરતી સંખ્યામાં તબીબો મળી રહેશે. રાજ્ય સરકારે હવે તો આદિવાસી વિસ્તારોમાં પણ મેડિકલ કોલેજો શરૂ કરીને આદિવાસી પ્રજાને તબીબી સેવા મળી રહે એવું આયોજન કર્યું છે. જેમાં આદિવાસી વિસ્તાર ગણાતા ડાંગ, મહિસાગર અને અરવલ્લી અને છોટા ઉદેપુરમાં તેમજ ખેડા અને આણંદમાં પણ બ્રાઉન્ડ ફિલ્ડ મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે. બ્રાઉન ફીલ્ડ મેડિકલ કોલેજ એટલે ગ્રામીણ વિસ્તારો અને આદિવાસી વિસ્તારોમાં હાલની સરકારી હોસ્પિટલોને સાર્વજનિક હોસ્પિટલ કમ મેડિકલ કોલેજમાં રૂપાંતરિત કરાશે. આ નવી શરૂ થનારી મેડિકલ કોલેજોને રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષ સુધી અનુદાન આપવામાં આવશે એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ડાંગ સહિત રાજ્યમાં 6 નવી બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સંસ્થાઓએ પ્રેઝન્ટેશન સાથે દરખાસ્તો રજૂ કરી હતી. રાજ્યના છોટા ઉદયપુર, ડાંગ, મહિસાગર, અરવલ્લી, ખેડા અને આણંદમાં બ્રાઉન ફિલ્ડ મેડિકલ શરૂ કરાશે.. બ્રાઉન ફીલ્ડ મેડિકલ કોલેજ એટલે ગ્રામીણ વિસ્તારો અને આદિવાસી વિસ્તારોમાં હાલની સરકારી હોસ્પિટલોને સાર્વજનિક હોસ્પિટલ કમ મેડિકલ કોલેજમાં રૂપાંતરિત કરવી, જેથી રાજ્યમાં એમબીબીએસની બેઠકોમાં વધારો થશે. ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવામાં આવે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા બ્રાઉન ફીલ્ડ કે ગ્રીન ફિલ્ડ મેડિકલ કોલેજોને પાંચ વર્ષ માટે ગ્રાન્ટ અથવા સબસીડી આપવામાં આવે છે. સરકારી હોસ્પિટલના અપગ્રેડ અને કોલેજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તે ખાનગી સંસ્થાએ બનાવવાનું રહેતું હોય છે. પ્રથમ તબક્કામાં રાજ્યના પાંચ જિલ્લાઓ પાલનપુર, દાહોદ, અમરેલી, ભરૂચ અને વ્યારા ખાતે બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની આરોગ્ય નીતિ- ૨૦૧૬ હેઠળ મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવશે. તે માટે સંસ્થાઓ પાસેથી દરખાસ્ત મગાવવામાં આવી હતી. સંસ્થાઓએ પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા દરખાસ્તો રજૂ કરી હતી. (File photo)