પશ્ચિમ બંગાળની સરકાર અને કેન્દ્રની સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ઋષિકુમાર શુક્લાએ નવા સીબીઆઈ નિદેશક તરીકે કાર્યભારને ગ્રહણ કરી લીધો છે. 1983ની બેચના આઈપીએસ શુક્લા મધ્યપ્રદેશ ડીજીપી રહી ચુક્યા છે. સીબીઆઈના વિશેષ નિદેશક રાકેશ અસ્થાના સાથે વિવાદ બાદ આલોક વર્માને સીબીઆઈના પ્રમુખ પદેથી ફોર્સ લીવ પર ઉતરાવાના મામલે વિવાદ અને બાદમાં તેમને હટાવવામાં આવ્યાના 20 દિવસ બાદ શનિવારે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ડીજીપી ઋષિકુમાર શુક્લાને સીબીઆઈના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ તેમને સીબીઆઈના ચીફ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
1983ની બેચના મધ્યપ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી ઋષિકુમાર શુક્લા સીબીઆઈ ચીફ તરીકેનો પદભાર ગ્રહણ કરતા પહેલા મધ્યપ્રદેશ પોલીસ આવાસ નિગમના અધ્યક્ષ હતા. નવા સીબીઆઈ ચીફની પ્રોફાઈલ પર એક નજર કરીએ-
મધ્યપ્રદેશમાં ભાજપની સરકારમાં ડીજીપી રહેલા ઋષિકુમાર શુક્લા 59 વર્ષના છે અને તેઓ મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અધ્યક્ષ હતા.
1983ની બેચના આઈપીએસ ઋષિકુમાર શુક્લા મૂળ ગ્વાલિયરના વતની છે. તેમને સીબીઆઈમાં કામ કરવાનો કોઈ ખાસ અનુભવ નથી. પરંતુ તેઓ ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં કામગીરી કરી ચુક્યા છે.
ઋષિકુમાર શુક્લાને મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારના મુખ્યપ્રધાન કમલનાથે પાંચ દિવસ પહેલા 29 જાન્યુઆરીએ જ ડીજીપી પદ પરથી હટાવ્યા હતા.
શુક્લા ઓગસ્ટ-2020માં સેવાનિવૃત્ત થઈ જાત, પરંતુ સીબીઆઈ પ્રમુખ બન્યા બાદ તેમનો કાર્યકાળ ફેબ્રુઆરી-2021માં સમાપ્ત થશે.
ઋષિકુમાર શુક્લાને મધ્યપ્રદેશના ડીજીપી તરીકે 30મી જૂન-2016ના રોજ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પદ પર તેઓ 29 જાન્યુઆરી-2019 સુધી રહ્યા હતા.
કોંગ્રેસની સરકાર બન્યા બાદ મધ્યપ્રદેશના ડીજીપી પદેથી ઋષિકુમાર શુક્લાની વિદાયની અટકળો શરૂ થઈ હતી.