બેંગ્લોરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)ના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે,” તેઓ નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને લઈને, ઘણો વિશ્વાસ ધરાવે છે. તે બહુ દેખાડો કરતો નથી. રુતુરાજ તેના સાથી ખેલાડીઓ સાથે ખૂબ જ સારું વલણ ધરાવે છે. બધા ખેલાડીઓ રુતુરાજનું સન્માન કરે છે.”
આઈપીએલ 2024 સીઝન 22 માર્ચથી શરૂ થઈ ગઈ છે.. ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) વચ્ચે રમાઈ હતી. જેમાં સીએસકેનો 6 વિકેટથી વિજય થયો હતો. મેચના એક દિવસ પહેલા સીએસકેમાં કેપ્ટનશિપમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર એમએસ ધોનીએ સીએસકેની કેપ્ટન્સી છોડી દીધી છે. તેના સ્થાને યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને, ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઋતુરાજને કેપ્ટનશિપ મળવા પર ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે,” ઋતુરાજને કેપ્ટનશિપ સોંપવાનો નિર્ણય સંપૂર્ણપણે ધોનીનો હતો. ગયા વર્ષની સારી સિઝનના આધારે તેણે ભવિષ્ય વિશે, ઘણું વિચારીને આ નિર્ણય લીધો હશે. ધોની નિર્ણય લેવામાં સારો છે અને તે વસ્તુઓને સારી રીતે સમજે છે. તેને લાગ્યું કે, આ યોગ્ય સમય છે.” ફ્લેમિંગે એમ પણ કહ્યું કે,” ધોની અથવા અન્ય સિનિયર ખેલાડીઓ રૂતુરાજને માર્ગદર્શન આપી શકે છે, જેથી તેમના પર કોઈ દબાણ ન હોય.”
ઋતુરાજ, 2019 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન ભાગ છે અને આ સમયગાળા દરમિયાન તેણે આઈપીએલ માં 52 મેચ રમી છે. ઋતુરાજ, આઈપીએલ માં સીએસકે નો કેપ્ટન બનનાર ત્રીજો ખેલાડી છે. ઋતુરાજ, પહેલા ગયા વર્ષે, હેંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતીય ટી-20 ટીમનો કેપ્ટન હતો, જ્યાં યુવા ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.