Site icon Revoi.in

ઈમ્પેક્ટ ફીનો નવો પરિપત્ર, હવે પાર્કિંગ પ્લેસ ઓછું હોય તો તગડી ફી આપવી પડશે

Social Share

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા માટે ગુજરાત સરકારે ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવ્યો છે. જેમાં નિયમ મુજબ અરજદારો પાસેથી જરૂરી ફી લઈને ગેરકાયદે બાંધકામો નિયમિત કરી આપવામાં આવે છે. રાજ્ય સરકારે ઈમ્પેક ફીની મુદતમાં વધારો પણ કર્યો છે. હવે સરકારે ઈમ્પેક્ટ ફી અંગે નવો પરિપત્ર જારી કર્યો છે.નવા પરિપત્ર મુજબ હવે કોમર્શીયલ અને રહેણાંકની મિલકતો માટે ઇમ્પેક્ટ ફી ભરવી વધુ મુશ્કેલ બની ગઇ છે. અત્યાર સુધી 50 ટકા પાર્કિંગ જગ્યા હોય તો જ ઇમ્પેક્ટ ફી ભરવા માટે અરજી માન્ય રહેતી હતી ત્યારે હવે 50 ટકા કરતાં ઓછું પાર્કિંગ હોય તો પણ આવી અરજી સ્વીકારીને મિલકતને નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. જોકે 50 ટકા કરતાં ઓછા જેટલું પણ પાર્કિંગ ખૂટતું હોય તેના માટે પ્રતિ. ચોરસ મીટર એટલો તોતિંગ વધારો ઝિંકાયો છે.

ઈમ્પેક્ટ ફીના નવા પરિપત્ર મુજબ  કોમર્શીયલ મિલકતના કિસ્સામાં જો માલીકે મિલકત નિયમીત કરાવવા માટે પાર્કિંગ ચાર્જ પેટે જ 10 લાખથી 75 લાખ સુધીની રકમ ભરવાની આવે તેવો ઘાટ થયો છે. પાર્કિંગ સિવાય પણ ઇમ્પેક્ટ ફીમાં સરકાર 13 જેટલા જુદા જુદા હેડ હેઠળ વિવિધ ફી વસૂલે છે. ઇમ્પેક્ટ ફીનો નવો નિયમ લાગુ કર્યો ત્યારે તેની નિયત ફી ઉપરાત અનેક પ્રકારની ફી વસૂલાતી હતી. જેમાં બેટરમેન્ટ ચાર્જ મોટી માત્રામાં થતો હતોકે, કેટલાક રહેણાંકમાં પણ 5 થી 10 લાખ જેટલો ચાર્જ ભરવો પડે તેવી સ્થિતિથી લોકોએ માંડી વાળ્યું હતું. કોમર્શિયલમાં સામાન્ય રીત એફએસઆઇ પ્રમાણે 30 ટકા પાર્કિંગ જોઇએ. એટલે કે 500 ચો.મી.ના બાંધકામમાં 150 ચો.મી. જગ્યા પાર્કિંગ માટે જોઇએ. તે રીતે રહેણાંકમાં એફએસઆઇના 20 ટકા પ્રમાણે પાર્કિંગ હોવું જોઇએ.

સુપ્રીમ કોર્ટના આદેશને અવગણીને મ્યુનિ. પાર્કિંગની જગ્યા, બેઝમેન્ટ સહિત અન્ય સ્થળે થયેલા ગેરકાયેદ બાંધકામોને પણ ઇમ્પેક્ટ હેઠળ નિયમિત કરાઇ રહ્યા છે, આવા બાંધકામો પાર્કિંગ માટે ખુલ્લા કરવા જોઇએ. એવો  લોકોનો મત છે. લોકોના કહેવા મુજબ નવા પરિપત્ર પ્રમાણે પાર્કિંગ માટે તૈયાર કરાયેલો ચાર્જ વધારે પડતો છે, જે ઓછો કરવો જોઇએ જેથી વધારે લોકો તેનો લાભ લઇ શકે, અત્યારે અનેક ફાઇલો માત્ર પાર્કિંગની સમસ્યાને કારણે જ ઇમ્પેક્ટ ફી હેઠળ ફાઇલ થઇ નથી.