Site icon Revoi.in

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં નવા કપાસની આવકનો પ્રારંભ, સારા ભાવ મળતા ખેડુતો ખૂશખૂશાલ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં નવા કપાસની આવકના શ્રીગણેશ થયા છે. કપાસમાં સારા ભાવને લીધે ખેડુતો પણ ખૂશખૂશાલ છે, જે ખેડુતોએ ચોમાસાના આગમન પહેલા કપાસનું આગોતરૂ વાવેતર કર્યું હતુ. તેવા ખેડુતોના કપાસની આવક શરૂ થઈ છે. હાલ વરાપ નિકળતા ખેડુતોએ કપાસ વિણવાનું શરૂ કર્ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એકતરફ એરંડા જેવા પાકના બીજ રોપવાનું ચાલુ છે ત્યારે ખરીફ સીઝન હજુ પૂર્ણ નથી થઇ ત્યાં નવા કપાસની આવકના શ્રીગણેશ થઇ ચૂક્યાં છે. છેલ્લા બે ચાર દિવસથી છૂટોછવાયો કપાસ આવતો હતો. પણ હવે ઉઘાડ સાથે વરાપ રહેતો હોવાથી આવક નિયમિત બનતી ગઈ છે. રાજકોટના યાર્ડમાં  હવે 200 મણ જેટલો નવો કપાસ ઠલવાવા લાગ્યો છે, એટલે નવી સીઝનનો વિધિવત પ્રારંભ થઇ ચૂક્યો છે. સૌરાષ્ટ્રભરમાં હવે આગોતરો કપાસ સૂકાઇને વેચાણ માટે આવવા તૈયાર થઇ રહ્યો છે. કપાસની ભારે અછત હોવાથી નવો કપાસ ઉંચા ભાવમાં વેચાઇ રહ્યો હોવાથી ખેડૂતોને લાભ મળી રહ્યો છે. આગોતરા કપાસમાં ખેડૂતો ફાયદામાં રહે તેમ લાગે છે.  રાજકોટ યાર્ડમાં બે ત્રણ વખત નવો કપાસ આવી ચૂક્યો છે. સોમવારે 100 મણ જેટલી નોંધપાત્ર આવક થવાને લીધે મણે રૂ. 2551ના ભાવથી સોદા થયા હતા. જ્યારે જેતપુર યાર્ડમાં 60 મણની આવક થઇ હતી. જોકે મુહૂર્ત કરવાના હોવાથી મણે રૂ. 5100થી 8888ના વિક્રમી ભાવથી કામકાજ થયા હતા. વાંકાનેરમાં નવો કપાસની 10 મણ આવક થતા રૂ. 1750-3001માં સોદા પડ્યા હતા. ચાલુ સીઝનમાં પ્રથમ વખત (મુહૂર્ત વિના) સામાન્ય સોદામાં વાંકાનેરમાં રૂ.3000માં કપાસ વેચાયો હતો. અમરેલીમાં 50 મણ આવક થતા રૂ. 2000-2400 હતા.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમરેલી, હળવદ અને ધ્રાંગધ્રા પંથકમાં આગોતરા કપાસના વાવેતર સારાં હતા. ખેડૂતો હવે ત્યાં વિણી લઇ રહ્યા છે એટલે ચાર પાંચ દિવસમાં ત્યાંથી નિયમિત આવક થવા લાગશે. ધ્રાંગધ્રાના એક બ્રોકરે કહ્યું હતુ કે, આ વિસ્તારમાં કપાસના પાકની સ્થિતિ ખૂબ જ સારી છે. રોગ-જીવાત નથી અને ઉતારો પણ સારો મળ્યો છે. પાંચેક દિવસથી વરાપ છે એટલે કપાસ સૂકાવા લાગ્યો છે. વરસાદ પડે તો હવે તકલીફ પડશે અન્યથા આગોતરો કપાસ સમોસૂતરો ઉતરી જશે. અસંખ્ય ખેતરોમાં એકાંતરા પાટલે પાણી આપવાનું કામ પૂર્ણ થયું છે અને ઘણા તૈયારી કરી રહ્યા છે. મોટી રાહત એ છેકે અત્યારે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ નથી. વરસાદ ગયા સપ્તાહે અટક્યો ત્યારે થ્રીપ્સ, સફેદ માખી અને તડતડીયાનો ઉપદ્રવ હતો. જંતુનાશકોના છંટકાવથી હવે રોગ નથી. ગુજરાતમાં કપાસનું વાવેતર પાછલા વર્ષમાં 22.51 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું હતુ. આ વર્ષે વિસ્તાર 25.45 લાખ હેક્ટર નોંધાયો છે.’ (file  photo)