Site icon Revoi.in

ભાવનગર અને તળાજા માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ, ખેડુતોને મળી રહ્યો છે, સારો ભાવ

Social Share

ભાવનગરઃ જિલ્લામાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફપાકનું ઉત્પાદન મબલખ થવાની ધારણા છે. ત્યારે  તળાજા અને ભાવનગર માર્કેટયાર્ડમાં  કપાસની આવક શરૂ થઈ ગઈ છે. વરસાદે વિરામ લેતાં ખેડૂતો પોતાનો કપાસ વેચવા બજારમાં આવી રહ્યા છે. ખેડૂતોને યાર્ડ ખાતે કપાસના 1200થી 1700 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ પ્રારંભના ભાવો સારા મળતાં હોવાથી ખેડૂતો કપાસ લઈને વેચાણ માટે આવી રહ્યા છે. જોકે ગત વર્ષના અંતિમ તબક્કામાં ખેડૂતોને 2200 થી 2500 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા.

ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકો કપાસના વાવેતરનું હબ ગણાય છે. જેથી તળાજા માર્કેટયાર્ડમાં હાલ કપાસની પુષ્કળ આવક શરૂ થઇ છે. જ્યારે છેલ્લા બે દિવસથી ખેડૂતો સારા ભાવો મળતાં હોવાથી ભાવનગર માર્કેટયાર્ડમાં પણ કપાસ લઈને આવી રહ્યા છે. ગતવર્ષ 2021માં જિલ્લામાં 2,22,685 હેકટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે 2022 માં ખેડૂતો દ્વારા 2,38,908 હેકટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલે કે ગતવર્ષની તુલનાએ ચાલુ વર્ષે કપાસનું 16 હજાર હેકટર જમીનમાં વધુ વાવેતર થયું છે. હાલમાં તળાજા માર્કેટ યાર્ડ ખાતે રોજની 400 થી 500 ગાંસડી કપાસ ઠલવાઈ રહ્યો છે. જ્યારે ભાવનગર માર્કેટયાર્ડમાં પણ આવક શરૂ થતાં રોજની 200 ગાંસડીથી વધુ કપાસની આવક થઈ રહી છે. જ્યારે ગતવર્ષ પ્રારંભમાં કપાસના 1000 થી 1500 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. જ્યારે ચાલુ વર્ષે ખેડૂતોને પ્રતિમણ કપાસના 1200થી 1700 રૂપિયાથી વધુ ભાવ મળતા થયા છે. ગતવર્ષે સીઝનના અંતમાં ખેડૂતોને 2200 થી 2500 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. જોકે ચાલુ વર્ષે પ્રારંભમાં મળી રહેલા ભાવના કારણે ખેડૂતોમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે. જેના કારણે હજુ થોડા સારા ભાવ મળે એવી આશા રાખી રહ્યા છે.

હાલમાં કપાસના જે ભાવ મળી રહ્યા છે તેની પાછળ કપાસમાં રહેલો ભેજ જવાબદાર છે. ચોમાસુ હજુ પૂરું જ થયું છે, અને તડકો પડી રહ્યો છે જેના કારણે સારો કપાસ આવતા ભાવ પણ વધશે. તેમજ અમેરિકા અને ચીનમાં પણ ચાલુ વર્ષે કપાસની પુષ્કળ માંગ નીકળશે જેના કારણે નિકાસ પણ વધશે અને નિકાસ વધતા ખેડૂતોને કપાસના સારા ભાવ પણ મળી રહેશે અને ખેડૂતોની દિવાળી પણ સુધરી જશે.