ગુજરાત યુનિ,માં એન્કરિંગ, મોબાઈલ જર્નાલિઝમ અને ફિલ્મ મેકિંગના નવા કોર્સ શરૂ કરાયાં
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં એન્કરિંગ, પોડકોસ્ટ, મોબાઈલ જર્નાલિઝમ (મોજો), ઓનલાઈન ટીચિંગ ટૂલ ફોર એજ્યુકેટર્સ, ફંડામેન્ટલ્સ ઓફ ફિલ્મ એન્ડ ફિલ્મ બિઝનેસ, મોબાઈલ ફિલ્મ મેકિંગ, ડિજિટલ સિનેમેટોગ્રાફી, વીડિયો એડિટિંગ સહિતના વિવિધ પ્રકારના ટૂંકાગાળાના સર્ટિફિકેટ કોર્સનું પ્રશિક્ષણ આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલના હાઈ ટેકનોલોજીયુગમાં વર્તમાન સમયની માગને અનુરૂપ વિવિધ પ્રકારના રોજગારલક્ષી ન્યૂ એજ મીડિયા પ્રોફેશનલ્સ કોર્સ ગુજરાત યુનિવર્સિટીએ શરૂ કર્યા છે. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ઈન્સ્ટિટ્યુટ ઓફ ન્યુ એજ મીડિયા (આઈ-એનએએમ) ખાતે એન્કરિંગ, પોડકોસ્ટ, મોબાઈલ જર્નાલિઝમ (મોજો), ઓનલાઈન ટીચિંગ ટૂલ ફોર એજ્યુકેટર્સ, ફંડામેન્ટલ્સ ઓફ ફિલ્મ એન્ડ ફિલ્મ બિઝનેસ, મોબાઈલ ફિલ્મ મેકિંગ, ડિજિટલ સિનેમેટોગ્રાફી, વીડિયો એડિટિંગ સહિતના વિવિધ પ્રકારના ટૂંકાગાળાના સર્ટિફિકેટ કોર્સનું પ્રશિક્ષણ આપવામાં આવશે. આ કોર્સમાં પ્રવેશ માટે ઈન્સ્ટિટ્યુટ ઓફ ન્યુ એજ મીડિયાનો સંપર્ક કરવાનો રહેશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સીસનો પણ પ્રારંભ કરાયો છે. ડિજિટલ જર્નાલિઝમ, સોશિયલ મીડિયા કન્ટેન્ટ અને માર્કેટિંગ સહિતના કોર્સીસનું પણ પ્રશિક્ષણ આપવામાં આવશે.. ઈન્સ્ટિટ્યુટ ઓફ ન્યુ એજ મીડિયાના વિવિધ પ્રકારના કોર્સના માધ્યમથી સ્કિલ બેઝડ રેડિયો, વેબ, ઓનલાઈન પ્લેટ ફોર્મ સહિતના ક્ષેત્રોનું પ્રશિક્ષણ આપવામાં આવશે. સમયની માગ મુજબ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને સર્ટીફિકેટ કોર્ષ બાદ રોજગારી મળી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે.