ગાંધીનગરઃ રાજ્યની વધુ ત્રણ કોર્ટના બિલ્ડિંગ નવા બનાવવામાં આવશે. જે અંતર્ગત 17 કરોડના ખર્ચે ઉમરાળા અને સાણંદની તાલુકા કોર્ટ અને 51.94 કરોડના ખર્ચે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના બિલ્ડિંગ નવા, અદ્યતન અને સુવિધાસભર બનાવશે. જે કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટ રૂમ, જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સહિતની તમામ જરૂરી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.તેમ રાજ્યના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભાવનગર સહિત ત્રણ શહેરોમાં કોર્ટના નવા બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે નવી તાલુકા કોર્ટના બિલ્ડીંગના બાંધકામ માટે નાણા વિભાગ દ્વારા કુલ 8.25 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 2257.00 ચોરસ મીટરના બિલ્ટઅપ એરિયામાં આકાર લેનારા આ અદ્યતન નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ ગ્રાઉન્ડ + 1 માળનું કરવામાં આવશે. આ કોર્ટ બિલ્ડીંગમાં 2 કોર્ટરૂમની સુવિધા ઉપલબ્ધ કરાશે. તેમજ જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી/કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, રજીસ્ટ્રાર / એડમીન બ્રાન્ચ તેમજ પાર્કીંગ શેડ, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ફાયર ફાયટીંગ સિસ્ટમ સહિતની તમામ જરૂરી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાશે..
કાયદા મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, સાણંદ ખાતે નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે નાણા વિભાગ દ્વારા કુલ રૂ. 8.72 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 3311.00 ચોરસ મીટરના બિલ્ટઅપ એરિયામાં ઉભી થઈ રહેલી આ નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ ગ્રાઉન્ડ + 2 માળનું કરવામાં આવશે. આ કોર્ટ બિલ્ડીંગમાં 4 કોર્ટ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ કોર્ટ બિલ્ડિંગમાં પણ જરૂરી તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી/કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, રજીસ્ટ્રાર / એડમીન બ્રાન્ચ તેમજ પાર્કીંગ શેડ, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ફાયર ફાયટીંગ સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાશે.
તેમણે ઉમેર્યું હતું કે, ભાવનગર ખાતે નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે નાણા વિભાગ દ્વારા કુલ રૂ. 51.94 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 16050.00 ચોરસ મીટરના બિલ્ટઅપ એરિયામાં તૈયાર થઈ રહેલા આ નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ ગ્રાઉન્ડ +4 માળનું કરવામાં આવશે. આ કોર્ટ બિલ્ડીંગમાં 25 કોર્ટ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાશે તેમજ જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી/કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, રજીસ્ટ્રાર / એડમીન બ્રાન્ચ તેમજ પાર્કીંગ શેડ, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ફાયર ફાયટીંગ સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ થશે.