અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં નવી કડકડતી ચલણી નોટ્સ રાખવાનો ઘણાબધા લોકોમાં ક્રેઝ હોય છે. નવા વર્ષે ઘણાબધા લોકો પોતાની સોસાયટીના સિક્યુરિટી, સફાઈ કામદારો અને પોતાના ધરે કામ કરનારા લોકોને દિવાળીની બોણી આપતા હોય છે. ત્યારે નવી કડકડતી 10, 20 અને 50 કે 100 રૂપિયાની નોટ્સ આપતા હોય છે. ઉપરાંત ઘરના વડિલો પણ નવા વર્ષના આશીર્વાદ લેવા આવતા લોકોને નવી નોટ્સ આપતા હોય છે. આમ દિવાળીના તહેવારોમાં નવી કડકડતી ચલણી નોટોનો ટ્રેન્ડ જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે બેંકોમાં નવી નોટ્સનો પુરતો જથ્થો ન આવતા બેન્કો દ્વારા ગ્રાહકોને માગવા છતાં નવી નોટ્સ આપવામાં આવતી નથી. બેન્કોમાં પણ 10 રુપિયાના ચલણની નવી નોટો તો સાવ અદ્રશ્ય જ છે પણ અન્ય ચલણની નવી નોટો પણ પુરતા પ્રમાણમાં નહીં અપાયાનો નિર્દેશ છે.
દિવાળીના તહેવારોમાં સમગ્ર દેશમાં નવી ચલણી નોટોની રાખવાની એક પરંપરા જ છે. રિઝર્વ બેન્ક પણ તેનાથી વાકેફ છે અને દરેક બેંકોની કરન્સી ચેસ્ટને યોગ્ય પ્રમાણમાં મોકલાવાતી હોય છે પરંતુ આ વર્ષે રિઝર્વ બેન્ક તરફથી બેન્કોને ઘણી ઓછી નવી નોટ મોકલવામાં આવી હોવાથી બેન્કો પોતાના ગ્રાહકોને માગ્યા મુજબ નવી નોટ્સ આપી શકે તેવી સ્થિતિમાં નથી.
બેંકિંગ ક્ષેત્રના સૂત્રોના કહેવા મુજબ સરકારી-ખાનગી બેન્કોની કરન્સી ચેસ્ટ હોય ત્યાં રીઝર્વ બેંક નવી નોટોની સીધી સપ્લાય કરે છે, અને અન્ય બેંકો માટે અલગથી ગોઠવણ કરવામાં આવતી હોય છે. કરન્સી ચેસ્ટ ધરાવતી સરકારી બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંક દ્વારા માંગ્યા મુજબની નવી નોટો મોકલવામાં આવી નથી. ખાસ કરીને નાની નોટોમાં મોટી તકલીફ ઉભી થઇ છે. 10 રુપિયાની નોટો કેટલાંક વર્ષોથી મોકલવાનું બંધ કરી દેવાયુ છે. તેનું દબાણ 20 રુપિયાની નોટો પર આવ્યું છે. ગ્રાહકો 10ના બદલે 20 રુપિયાની નવી નોટોના બંડલોની ડીમાંડ કરવા લાગ્યા છે પરંતુ તે પણ ઓછી આવી છે. 50-100 રુપિયાની નવી નોટ માંગનારા લોકો ઓછા હોય છે. આ નોટો પણ પ્રમાણમાં ઓછી હોવા છતાં ડીમાંડ સરભર થઇ જતી હોવાની સ્થિતિ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રિઝર્વ બેન્કે સરકારી બેન્કોને 100 રૂપિયાની નવી નોટ્સ પુરતા પ્રમાણમાં મોકલી નથી તમામ બેન્કોને બે-બે રીંગ આપી છે. આવા 20-20 બંડલો કર્મચારીઓને પણ પુરા પડે તેમ નથી. તો ગ્રાહકોને કેવી રીતે આપવા તે સમસ્યા છે.
દિવાળી-નૂતનવર્ષના તહેવારો દરમિયાન પરિવાર-ઘરના વડીલો શુકનરૂપે રોકડ નાણાં આપતા હોય છે અને તેમાં નવી ચલણી નોટોની રીતસરની એક પરંપરા જ છે. દિવસો દિવસ રૂપિયાનું મૂલ્ય ઘસાતું જાય છે. ભૂતકાળમાં એક રૂપિયાની નોટની ડીમાંડ રહેતી હતી. ત્યારબાદ બે-પાંચ રૂપિયાનો વારો આવ્યો હતો અને પછી 10 રૂપિયાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. હવે આ નોટો પણ અદ્રશ્ય હોવાથી 20 રૂપિયાની ચલણી નોટો પર ભારણ વધ્યું છે. બેંકો દિવાળીના ત્રણ-ચાર દિવસ પૂર્વે જ ગ્રાહકોને નવી નોટ આપવાનું શરુ કરી દેતા હોય છે પરંતુ રિઝર્વ બેન્ક તરફથી સપ્લાય જ ઓછી રહી હોવાના કારણોસર નાની નોટોના બંડલ ક્યાંય દેખાતા નથી. 100-500 જેવી નોટો માટે ખાસ વાંધો નથી. દિવાળી જેવા તહેવારોમાં જ યોગ્ય માત્રામાં નવી નોટો ન મળ્યાનો કચવાટ છે. (FILE PHOTO)