Site icon Revoi.in

ડિઝીટલ ક્રાઇમના વધતા બનાવોને લીધે રાજ્યના 10 જિલ્લામાં નવા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરાયાં

Social Share

ગાંધીનગર: રાજ્યમાં સાઈબર ક્રાઈમના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. હાલના આધુનિક સમયમાં ઇન્ટરનેટ ડિજિટલ ઉપકરણો, સોશિયલ મીડિયા, નેટ બેન્કીંગ વગેરેનો વ્યાપ દેશ અને દુનિયામાં ખૂબ જ ઝડપથી વધ્યો છે. જેની સાથે સાથે સાઇબર ક્રાઇમ આચરનાર ગુનેગારો પણ અવનવી તરકીબો તેમજ પદ્ધતિઓ અજમાવી સાઇબર ક્રાઇમના ગુનાને અંજામ આપતા હોય છે. આવા ગુનાઓને રોકવા માટે ગુજરાતમાં 10 જિલ્લાઓમાં નવા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે.

આણંદ, જામનગર, સાબરકાંઠા, પોરબંદર, મહેસાણા, અમરેલી, ભરુચ, કચ્છ પૂર્વ (ગાંધીધામ), વલસાડ, બનાસકાંઠા ખાતે નવા સાઇબર પોલીસ સ્ટેશન શરૂ કરવા મંજુરી આપવામાં આવી છે.

સાઇબર ક્રાઇમ આચરનારા ઇસમો ખૂબ જ આધુનિક ટેક્નિકની મદદથી અને મોડસ ઓપરેન્ડીથી નાણાકીય છેતરપિંડી, હેકિંગ, સાઇબર બુલિંગ, ટેલીફિશિંગ, સેક્સટોર્શન તેમજ રેન્ડસમવેર જેવી આધુનિક તક્નિકનો ઉપયોગ કરી ગુના આચરી રહ્યા છે. જે ગુજરાત પોલીસ માટે પણ પડકારજનક છે. દિન-પ્રતિદિન સાઇબર ગુનાઓ આચરતા ગુનેગારોની પ્રવૃત્તિઓ વધી રહી છે.

વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન રાજ્યમાં નોંધાયેલ સાઇબર ગુનાખોરીમાં ચીટિંગ, ફ્રોડ, Identity Theft, કોમ્યુટર સંબધિત ગુનાઓની સંખ્યા મહત્તમ હતી. સાઇબર ગુનાઓને નાથવા માટે અત્યારસુધી રાજ્ય સરકારના ગૃહ વિભાગની સીધી દેખરેખ હેઠળ સી.આઇ.ડી. ક્રાઇમ, ગાંધીનગર તથા ગુજરાતમાં ચાર શહેરો અને નવ રેન્જો ખાતે કૂલ 14 સાઇબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવેલા છે.

જેમાં નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સપેકટર, પોલીસ સબ ઇન્સપેકટર તથા વાયરલેસ પોલીસ ઇન્સપેકટર અને પોલીસ ઇન્સપેક્ટર સહિત હેડ કો. પોલીસ કો. અને રેડીયો ઓપરેટર મળી કુલ. 809નું મહકેમ મંજૂર કરવામાં આવેલું છે.

જે અંતર્ગત સાઇબર આશ્વસ્ત પ્રોજેક્ટ, એન.સી.સી.પી.આર. પોર્ટલ અંતર્ગતની કામગીરી સાઇબર વોલેન્ટીયર, ફોરેન્સીક ટૂલ્સ અને કેપેસિટી બિલ્ડિંગ, ફોરેન્સિક ટ્રીપલાઇન, હેલ્પલાઇન, સાઇબર ક્રાઇમ પ્રિવેન્શન અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રોજેક્ટ શરૂ કરી સાઇબર ક્રાઇમ લગતના ગુનાઓને ઉકેલવાની કામગીરી કરવામાં આવી છે.

આજથી 10 નવા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયા છે. આણંદ, જામનગર, સાબરકાંઠા, પોરબંદર, મહેસાણા, અમરેલી, ભરુચ, કચ્છ પૂર્વ, વલસાડ, બનાસકાંઠા ખાતે સાઇબર પોલીસ સ્ટેશનો ખૂલશે. તે ઉપરાંત સાઇબર બુલિંગનો ભોગ બન્યા હોય તેવા સેંકડો નાગરીકોનુ કાઉન્સિલીંગ કરવામાં આવે છે.