લખનૌઃ નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના એક કર્મચારીએ મહિલાને વિઝા આપવાના બદલા અઘટીત માંગણી કરી હોવાની ઘટના સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર મહિલાએ દાવો કર્યો હતો કે અધિકારીએ તેને ‘અયોગ્ય રીતે’ સ્પર્શ કર્યો હતો અને તેની જાતિયતા વિશે પ્રશ્નો પૂછ્યા હતા. મહિલાએ પાકિસ્તાની ઓફિસર પર લગાવેલા ગંભીર આક્ષેપના પગલે ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ પાકિસ્તાન સરકાર આ બનાવને પગલે બચાવમાં સ્થિતિમાં આવ્યું છે. ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે મહિલાના આરોપોની તપાસ કરી રહી છે.
રિપોર્ટ અનુસાર, મહિલાએ દાવો કર્યો છે કે પાકિસ્તાની અધિકારીએ તેને પાકિસ્તાની વિઝાના બદલામાં સોશિયલ મીડિયા પર ભારત વિરોધી ટિપ્પણીઓ પોસ્ટ કરવાનું પણ કહ્યું હતું. મહિલા પ્રોફેસર છે અને આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની અધિકારીએ તેનો હાથ પકડીને પૂછ્યું કે શું તે પરિણીત છે. કંટાળી ગયા હોય તો તેઓ ચાર લગ્ન કરી શકે છે. એટલું જ નહીં અધિકારીએ મહિલાને પૂછ્યું હતું કે, ‘યૌન ઈચ્છા’ પૂરી કરવા માટે શું કરે છે.
ભારતીય મહિલાએ દાવો કર્યો છે કે તે વ્યક્તિએ તેને સોશિયલ મીડિયા પર ભારત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાશ્મીર વિરુદ્ધ નિવેદનો આપવા કહ્યું હતું. મહિલાએ પાકિસ્તાની વિઝા માટે અરજી કરી હતી. તે લાહોરના એક ગુરુદ્વારામાં એક કાર્યક્રમમાં ભાગ લેવાની હતી. આ સિવાય તેમને અન્ય કોઈ જગ્યાએ પણ પ્રવચનો આપવાના હતા. હવે મહિલાએ વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને ઘટનાની સંપૂર્ણ માહિતી આપી છે અને ન્યાયની માંગણી કરી છે.