નવી દિલ્હીઃ ખાનગી એરલાઈનના કર્મચારીઓએ રાંચી એરપોર્ટ પર એક વિકલાંગ બાળકને પ્લેનમાં બેસતા અટકાવ્યો હતો. એરલાઈન્સએ બચાવ કરતા કહ્યું હતું કે, બાળક પ્લેનમાં મુસાફરી કરતા નર્વસ હતો. આ ઘટના સામે આવ્યા બાદ એવિએશન રેગ્યુલેટર DGCAએ આ મામલે તપાસ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે ગંભીર નોંધ લીધી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ અંગે ટ્વીટ કરીને કહ્યું હતું કે, સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય મંત્રી સિંધિયાએ જણાવ્યું હતું કે, “અમે આ પ્રકારનું વર્તન બિલકુલ સહન નહીં કરીએ. કોઈ પણ વ્યક્તિએ આવી પરિસ્થિતિમાંથી પસાર થવું ન જોઈએ. હું વ્યક્તિગત રીતે આ મામલાની તપાસ કરી રહ્યો છું, ત્યારબાદ જરૂરી પગલાં લેવામાં આવશે.” આ પછી, એરલાઈન્સ કંપનીના સીઈઓએ કહ્યું કે, અમે આ દુર્ભાગ્યપૂર્ણ અનુભવ માટે પીડિત પરિવાર પ્રત્યે દિલગીરી વ્યક્ત કરીએ છીએ.
બીજી તરફ ડીજીસીએએ પણ એરલાઈનને આ અંગે ખુલાસો આપવા માટે નિર્દેશ કર્યો છે. ડીજીસીએના અધિકારીઓએ જણાવ્યું હતું કે, છોકરાને શનિવારે એરલાઈન્સની રાંચી-હૈદરાબાદ ફ્લાઈટમાં બેસતા અટકાવવામાં આવ્યો હતો. જે બાદ તેના માતા-પિતાએ પણ પ્લેનમાં મુસાફરી ન કરવાનો નિર્ણય લીધો હતો. ડીજીસીએના વડા અરુણ કુમારે કહ્યું કે, રેગ્યુલેટરે આ મામલે કંપની પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યું કે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) આ ઘટનાની તપાસ કરી રહી છે. તે આ મામલે એરલાઇન કંપની સામે યોગ્ય કાર્યવાહી કરશે.
એરલાઈન્સ કંપનીએ બચાવ કરતા કહ્યું હતું કે, વિકલાંગ બાળક 7 મેના રોજ તેના પરિવાર સાથે ફ્લાઇટમાં બેસી શક્યો ન હતો કારણ કે તે ગભરાઈ રહ્યો હતો. ગ્રાઉન્ડ સ્ટાફે તેમના શાંત થવાની છેલ્લી ઘડી સુધી રાહ જોઈ, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. ત્યારબાદ, એરલાઈને પરિવારને દિલાસો આપવા માટે તેમને હોટલમાં રહેવાની સગવડ આપી અને તેઓ બીજા દિવસે સવારે તેમના ગંતવ્ય સ્થાન માટે રવાના થયા. કંપનીએ કહ્યું કે મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.