નવી દિલ્હીઃ એશિયામાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન ભારતમાં
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે કોવિડ, સંઘર્ષ અને આબોહવાને ત્રણ મુખ્ય પડકારો તરીકે રજૂ કર્યા છે. આંતરરાષ્ટ્રિય બાજરા વર્ષ 2023ના પ્રી-લોન્ચ ફંક્શનને સંબોધતા વિદેશ મંત્રીએ કહ્યું કે, આ ત્રણેય પડકારોમાંથી દરેક ખાદ્ય સુરક્ષાને નોંધપાત્ર રીતે અસર કરે છે. જયશંકરે કહ્યું કે ભારત વિશ્વમાં બાજરીના સૌથી મોટા ઉત્પાદક દેશ છે. વિશ્વના બાજરીના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 20 ટકા જેટલો છે.
વિદેશ મંત્રીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સંબંધોની શરૂઆત ખાદ્ય સુરક્ષાથી થઈ હતી. મૂળભૂત વિચાર એ હતો કે, પોતાના માટે ખોરાક કેવી રીતે સુરક્ષિત કરવો અને તેને અન્ય લોકો સુધી કેવી રીતે પહોંચાડવો. તેથી જ અમે ભારતીય બાજરી વર્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવાનું નક્કી કર્યું છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલય અનુસાર, ભારત એશિયામાં 80 ટકા બાજરીનું ઉત્પાદન કરે છે. વિશ્વના બજાર ઉત્પાદનમાં દેશનો 20 ટકા હિસ્સો છે. તે સદીઓથી મધ્ય ભારતનું મુખ્ય અનાજ રહ્યું છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1965-70 સુધીમાં ભારતના કુલ ખાદ્યાન્ન સામગ્રીમાં બાજરીનો હિસ્સો 20 ટકા હતો. તે હવે ઘટીને માત્ર 6 ટકા પર આવી ગયું છે. બાજરીના ઉત્પાદન અને માંગમાં વધારો કરવા માટે, ભારત સરકારે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દરમિયાન, ભારતીય બાજરી, તેની સ્વાદિષ્ટ વાનગીઓ અને મૂલ્યવર્ધિત ઉત્પાદનોનો વૈશ્વિક સ્તરે પ્રચાર કરવામાં આવશે.