નવી દિલ્હીઃ CM કેજરીવાલના બંગલા વિવાદમાં LGએ મુખ્ય સચિવ પાસેથી 15 દિવસમાં રિપોર્ટ માંગ્યો
નવી દિલ્હીઃ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે ફરી એક વાર નવી ટક્કર થઈ શકે છે. કેજરીવાલના નિવાસસ્થાનના નવીનીકરણમાં કથિત ગેરરીતિઓ અંગેના અહેવાલોને ધ્યાનમાં રાખીને એલજીએ મુખ્ય સચિવ પાસેથી 15 દિવસની અંદર રિપોર્ટ માંગ્યો છે. એલજીના નિર્દેશને પગલે કેજરિવાલની મુશ્કેલીમાં વધારો થવાની શકયતા છે. સીએમ અરવિંદ કેજરિવાલના મકાનના નવીનીકરણ પાછળ કરોડોના ખર્ચ મામલે રાજકીય વિવાદ વધારે કર્યો છે.
સૂત્રો દ્વારાના જણાવ્યા અનુસાર સિવિલ લાઇન્સના 6-ફ્લેગસ્ટાફ રોડ ખાતેના કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનમાં “વધારા અથવા ફેરફાર” કરવા માટે કુલ રૂ. 44.78 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ રકમ 9 સપ્ટેમ્બર, 2020 અને જૂન, 2022 વચ્ચે છ હપ્તામાં ખર્ચવામાં આવી હતી. આ ચોંકાવનારી વિગતો બહાર આવતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો. તેમજ સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને યોગ્યની તપાસની ભાજપ અને કોંગ્રેસે કરી હતી.
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનના નવીનીકરણમાં કથિત ગેરરીતિઓ અંગેના અહેવાલોને ધ્યાનમાં લેતા, એલજીના કાર્યાલય દ્વારા જણાવ્યા અનુસાર કે, સમગ્ર મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવને સમગ્ર પ્રકરણના સંબંધિત તમામ દસ્તાવેજ તાત્કાલિક સુરક્ષિત કરવાની સાથે કસ્ટડીમાં લેવા નિર્દેશ કર્યો છે. તેમજ દસ્તાવેજોની તપાસ કર્યા બાદ 15 દિવસમાં આ અંગેનો તથ્યલક્ષી અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
બીજેપીનો દાવો કર્યો હતો કે, દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર બંગલાના નવીનીકરણ પર લગભગ 45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમાં પડદા, કાર્પેટ, વિદેશી માર્બલ અને કરોડો રૂપિયાના ટીવીનો સમાવેશ થાય છે. ભાજપે નૈતિકતાના આધાર પર કેજરીવાલના રાજીનામાની માંગ કરી હતી.
AAPના વરિષ્ઠ નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી આવાસ 75-80 વર્ષ પહેલા 1942માં બનાવવામાં આવ્યું હતું. દિલ્હી સરકારના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) એ ઓડિટ બાદ તેના નવીનીકરણની ભલામણ કરી હતી. પીડબ્લ્યુડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે તે રિનોવેશન નથી પરંતુ જૂના સ્ટ્રક્ચરની જગ્યાએ નવું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. તેની કેમ્પ ઓફિસ પણ ત્યાં છે. ખર્ચ આશરે રૂ. 44 કરોડ છે, જૂના માળખાને બદલીને નવું બનાવવામાં આવ્યું છે.