- ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની સભા યોજાઈ
- વપરાશકારોને 4G કરતા દસ ગણી વધુ સ્પીડ મળશે
- ઈન્ટરનેટ આધારિત ઘણા કામ સરળ થશે
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો વપરાશ વધ્યો છે. દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓથી દેશની પ્રજા 5જી ટેકનોલોજીની આતુરતાથી રાહ જોતી હતી. લોકોની આતુરતાનો આજે અંત આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5જી ટેકનોલોજીનો શુભારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં 5G સેવા શરૂ કરી છે. PM મોદી દ્વારા 5Gની શરૂઆત કર્યા બાદ આજથી દેશના 13 શહેરોમાં 5G સેવા શરૂ થઈ ગઈ છે. વર્ષ 2023 સુધીમાં આ સેવાને સમગ્ર દેશમાં વિસ્તારવાની યોજના છે. પીએમ મોદીએ દિલ્હીમાં આયોજિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022 કાર્યક્રમના પ્લેટફોર્મ પરથી આ સેવાની શરૂઆત કરી હતી. અલ્ટ્રા-હાઈ-સ્પીડ ઈન્ટરનેટને ટેકો આપવા સક્ષમ, 5G સેવા ભારતીય સમાજને પરિવર્તનશીલ બળ તરીકે નવી આર્થિક તકો અને સામાજિક લાભો લાવશે તેવી અપેક્ષા છે.
5G ઈન્ટરનેટ સેવાને 4G કરતા દસ ગણી વધુ સ્પીડ મળશે, જેથી લોકો ઈન્ટરનેટ એક્સેસ કરવામાં અને મૂવી, ગેમ્સ, એપ્સ અને અન્ય વસ્તુઓ ડાઉનલોડ કરવામાં ઘણો ઓછો સમય લેશે. મોબાઈલમાં ઈન્ટરનેટની સ્પીડ વધવાથી ઈન્ટરનેટ આધારિત ઘણા કામ સરળ થઈ જશે.
5G સેવા શરૂ કરતા પહેલા, PM મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ (IMC)ની 6ઠ્ઠી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ પીએમ મોદીને 5જી સેવાઓ વિશે જાણકારી આપી હતી.