નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મદનપુર ખાદર વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર કરવા ગયેલી એમસીડીની ટીમ અને સુરક્ષાદળોનો વિરોધ કર્યો હતો અને ભારે પથ્થરમારો કર્યો હતો. દબાણદૂર કરવા ગયેલી ટીમ ઉપર થયેલા પથ્થરમારાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી. જેથી પોલીસે બળ પ્રયોગ કરીને તોફાની ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઘરણાં પ્રદર્શન ઉપર બેઠેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની પોલીસે અટકાયત કરી હતી.
પ્રાપ્ત માહિતી અગાઉ પહેલા કંચન કુંજમાં ત્રણ માળની ઈમારત એમસીડીએ તોડી પાડી હતી. આ કાર્યવાહી બાદ સ્થાનિક મહિલાઓએ કહ્યું હતું કે, પોલીસે પહેલા તેમની સાથે અયોગ્ય વર્તન કરીને લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ સામાન્ય લોકોને નિર્બળ બનાવી રહી છે. જો કે, મદનપુર ખાદર વિસ્તારમાંથી થયેલા પથ્થરમારા બાદ પરિસ્થિતિ કાબુમાં છે અને પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે.
એમસીડીની ટીમ મદનપુર ખાદરમાં દબાણ દૂર કરવા પહોંચી હતી, સવારથી જ આ કાર્યવાહીનો સ્થાનિકો વિરોધ કરી રહ્યાં છે. સ્થાનિકો આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની હાજરીમાં જ ધરણા ઉપર બેઠા હતા. દરમિયાન એમસીડીની ટીમે અહીં કંચનકુંજમાં કેટલીક ગેરકાયદે ઈમારત ધરાશાયી કરી હતી, જે બાદ એમસીડી અને પોલીસ ટીમ ઉપર દેખાવકારોએ પથ્થરમારો કર્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબુમાં લેવા માટે બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સ્થાનિકોએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યો હતો. પોલીસે પહેલા કાંકરીચાળો કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.