નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને ખૂબ જ ટૂંક સમયમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે અને આ માટે કેન્દ્ર સરકારે તેને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ દ્વારા રિડેવલપ કરવાની યોજના બનાવી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જ્યસભામાં જણાવ્યું હતું કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને અત્યાધુનિક સુવિધાઓ, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભાવિ ટ્રાફિકની માંગને પહોંચી વળવા માટે એક પ્રતિષ્ઠિત ઈમારત તરીકે પુનઃવિકાસ કરવામાં આવશે.
રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનનો પુનઃવિકાસ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડ એટલે કે પીપીપી ધોરણે કરાશે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસનો પ્રસ્તાવ જાહેર-ખાનગી ભાગીદારી મોડ પર લાવવામાં આવશે. શું નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસને દિલ્હીની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCT) સરકાર તરફથી પર્યાવરણીય મંજૂરી મળી છે તેવા સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રેલ્વે સ્ટેશન પ્રોજેક્ટને અમુક શરતોને આધીન પૂર્વ પર્યાવરણીય મંજૂરી મેળવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે વૃક્ષો કાપવાની પરવાનગી મળી ગઈ છે. સંસદના બજેટ સત્રનો બીજો ભાગ 14 માર્ચથી શરૂ થયો હતો અને 8 એપ્રિલે સમાપ્ત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં રેલવે વિભાગ દ્વારા મોટાભાગના રેલવે સ્ટેશનોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. રેલવેમાં દરરોજ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મુસાફરી કરે છે.