નવા નાટ્યકારો અભિનય સાથે ભાષાને પણ પ્રાધાન્ય આપે: રાજુ બારોટ
- આફ્રિકન વિધાર્થીઓએ ભાષાના સીમાડા વળોટીને અભિનય કર્યો
અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન જર્નલિઝમ, (NIMCJ)ના વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ મહાકાવ્ય મહાભારત પર આધારિત, ધર્મવીર ભારતીનાં નાટક “અંધાયુગ” ના અંશોનું મંચન કરવામાં આવ્યું હતું. આ નાટ્ય મંચનની વિશેષતા એ હતી કે, આફ્રિકન દેશોમાંથી અહી ભણવા આવેલા વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક તેમાં
ભાગ લઈને કલાને ભાષાના સીમાડા નથી નડતા એ સાબિત કર્યું હતું. દસ દિવસની વર્કશોપ બાદ આજે મુખ્ય મહેમાન ,પ્રખ્યાત નાટ્યકાર રાજુ બારોટની ઉપસ્થિતીમાં આ નાટક ભજવવામાં આવ્યું હતું, જેને હર્ષદિપસિંહ જાડેજા દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું હતું.
વિધાર્થીઓએ ખુબ રસ દાખવી આ દસ દિવસની વર્કશોપમાં ભાગ લીધો તથા આ ઐતિહાસિક નાટક ભજવ્યું હતું. કાર્યક્રમનાં અંતે રાજુ બારોટે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, પહેલી વખત પણ ખૂબ સુંદર પ્રયાસ કર્યો છે. પોતાના નાટ્યકાર તરીકેના અનુભવોને વહેંચતા તેમણે નાટક ભજવતી વખતે શું શું ધ્યાનમાં રાખવું તથા પોતાના પાત્રને ભજવતી વખતે શું ધ્યાન રાખવા કહ્યું હતું. નાટકમાં અભિનયની સાથે ભાષાને પણ મહત્વ આપવા પર તેમણે ભાર મૂક્યો હતો. આ મંચનને નિહાળવા સંસ્થાનાં પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, નીલેશ શર્મા, ગરીમા ગુનાવત, નાયબ નિયામક ઇલાબેન ગોહિલ તથા વિધાર્થીઓ હાજર રહ્યાં હતાં.