અમદાવાદઃ ગુજરાતમાં લર્નિંગ લાયસન્સની કામગીરી આરટીઓના બદલે હવે આઈટીઆઈ અને પોલીટેકનીકમાં થાય છે. તેમજ વાહન ચાલકોને લાયસન્સ માટે ડ્રાઈવીંગ ટેસ્ટ માટે આરટીઓ જવુ પડે છે. તેમજ ડ્રાઈવિંગ ટ્રેક માટે અરજદારોને લાંબી રાહ જોવી પડે છે. જો કે, હવે તેમને રાહ નહીં જોવી પડે. અમદાવાદ સહિત નવ જિલ્લામાં નવા ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે દાહોદ, ભાવનગર, ડાંગ અને ગોધણા ખાતે નવી આરટીઓ કચેરી બાંધકામ આવશે. આ ઉપરાંત આરટીઓમાં ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક માટે અરજદારોને પ્રતિક્ષા ન કરવી પડે તે માટે સરકારે નવા ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બનાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, ભાવનગર, હિંમતનગર, જૂનાગઢ અને પંચમહાલ ખાતે નવા ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવનાર છે. હાલ લર્નિંગ લાયસન્સની કામગીરી 36 આરટીઓનાં બદલે 221 આઈ.ટી.આઈ. અને 29 પોલીટેકનીકમાં ચાલી રહી છે.
ગુજરાતની જનતાને પરિવસન સુવિધા મળી રહે તે માટે એસટી બસ દોડાવવામાં આવે છે. રાજ્યના માર્ગો ઉપર લગભગ 8,300થી વધુ બસો દોડે છે અને દરરોજ 25 લાખથી વધારે મુસાફરો એસટીમાં પ્રવાસ કરે છે. એસ.ટી. નિગમ દ્વારા ગુજરાતનાં 99.34 ટકા ગામડાને જાહેર પરિવહનની સેવા થકી આવરી લેવામાં આવ્યા છે.