1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નવી શિક્ષણ નીતિથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છેઃ મુખ્યમંત્રી
નવી શિક્ષણ નીતિથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છેઃ મુખ્યમંત્રી

નવી શિક્ષણ નીતિથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છેઃ મુખ્યમંત્રી

0
Social Share

વડોદરાઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિના અમલીકરણથી ભારતની જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરોત્થાન થયું છે. આ નવી શિક્ષણ નીતિમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાના પણ દર્શન થાય છે.

તેમણે ઉમેર્યું  કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે. દેશમાં હવે ઉચ્ચ શિક્ષણમાં પણ માતૃભાષામાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. માતૃભાષા હોય કે નવોન્મેષ શોધસંશોધન, ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ જ્ઞાન કેન્દ્રિત રહી છે.  મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 72માં પદવિદાન સમારોહમાં કુલ 231 વિદ્યાર્થિનીઓ અને 113 વિદ્યાર્થીઓ મળી કુલ 345  સુવર્ણપદકો મુખ્યમંત્રી અને મહાનુભાવો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે તેમણે યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની યુવાશક્તિ માટે સુવર્ણકાળ આવ્યો છે, એમ કહેતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે યુવાશક્તિના ઘડતર અને અભ્યુદયથી યુનિવર્સિટીઓ મહત્વનું યોગદાન આપી રહી છે. દેશના યુવાનો સામે અત્યારે અનેક તકો ઉભી થઇ છે. તેની પ્રતીતિ કેન્દ્ર સરકારના બજેટમાં પણ થાય છે. જેમાં દેશની પ્રગતિનો મુખ્ય આધાર સમક્ષ સબળ-સક્ષમ યુવાશક્તિને ગણાવવામાં આવ્યો છે. વડાપ્રધાનએ શિક્ષણના બજેટમાં સાત ટકા જેટલો ધરખમ વધારો કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તુત થયેલા બજેટમાં શિક્ષણ માટે આર્થિક જોગવાઇમાં 26 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 55,114 કરોડ ફાળવવામાં આવ્યા છે, તેમ ગૌરવ સહ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના બજેટમાં ગરીબ, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિ સાથે શિક્ષણને મહત્તમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ફ્યુચરસ્ટિક અને ડિસરપ્ટિવ ટેક્નોલોજીને વેગ આપવા માટે એન્જીનિયરિંગ કોલેજમાં રિસર્ચ પાર્ક સ્થાપવા માટે રૂ.10 કરોડ ફાળવવામાં આવ્યા છે.

નવસ્નાતકોને શીખ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ડિગ્રી મળતાની સાથે યુવાનોની વ્યવસાયિક જીવનનો પ્રારંભ થાય છે. યુનિવર્સિટીમાંથી જે શિક્ષણ મેળવ્યું છે, એના ઉપયોગ થકી સમાજને પરત આપનો સમય છે. શિક્ષણનો ઉદ્દેશ જ બહેતર સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે. યુનિવર્સિટીમાંથી મેળવેલા જ્ઞાન થકી છાત્રો સમસ્યાઓના સમાધાન શોધવા, રોજગારીના સર્જનમાં મદદરૂપ બને એ જરૂરી છે. ભૂપેન્દ્રભાઇ પટેલે પ્રારંભે મહારાજ સયાજીરાવને યાદ કરી તેમના શિક્ષણ ક્ષેત્રે યોગદાનને બિરદાવ્યું હતું.

 

પદવિદાન સમારોહમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ  ધનંજય ચંદ્રચૂડે પદવિધારક વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી આજનો દિવસ તેમનો હોવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને સંબોધતા  ચંદ્રચૂડે કહ્યું કે, તમારી પાસે નવા વિચારો છે, પ્રચંડ આત્મવિશ્વાસ છે, કામ કરવાની ભરપૂર શક્તિ છે. જેનાથી તમે તમારી કારકિર્દીનું ઘડતર કરવાની સાથે સેવાભાવ સાથે સમાજમાં યોગદાન આપીને તમારું ઋણ ઉતારી શકો છો. શિક્ષણ એ સમાજ પાસેથી જે લીધું છે, તેને પરત અને વળતર આપવાનું માધ્યમ છે, તેમ તેમણે જણાવ્યું હતું.

સંસ્કારી નગરી વડોદરામાં આવું એટલે ગૌરવની લાગણી અનુભવાય તેમ સહર્ષ જણાવી શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે પદવી ધારણ કરનારા તમામ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને યુનિ.ના અમૃતકાળના પ્રથમ સ્નાતકો/અનુસ્નાતકો કહીને સંબોધ્યા હતા. પટેલે પદવીધારક વિદ્યાર્થીઓને સામાજિક જીવનમાં પદાર્પણની શુભકામનાઓ પાઠવીને ગૌરવભેર જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ આપીને જે ભૂમિકા બાંધી છે, તેને પરિપૂર્ણ અને ચરિતાર્થ કરવાની જવાબદારી આજના શિક્ષિત યુવાવર્ગની છે.  કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવે સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિઓની ભૂમિકા આપી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code